ગાંધીનગર: વડોદરાના સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારને લેખિતમાં જ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ ભાજપ સરકારમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને બીજા દિવસે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી દોડી તેમને મળવા ગયાં હતાં અને મનામણાં કરવામાં આવ્યાં હતાં. આ કિસ્સો શાંત પડે તે પહેલાં જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે કેટલાય સમયથી મહેસૂલ વિભાગમાં પડેલી ફાઇલનો નિકાલ ન આવતા રાજીનામાની ચીમકી આપી છે.
ગુજરાતમાં સીએમ બદલાય છે : અમિત ચાવડા ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવે ચીમકી આપતાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ જોડે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ પરંતુ સંપર્ક થઇ શક્યો નથી. જેમ કેતન ઈનામદારની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે તેવી જ રીતે મધુ શ્રીવાસ્તવની સમસ્યાને પણ નિકાલ કરવામાં આવશે.
જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના જ સભ્યોમાં રોષ જોવા મળ્યો છે તેવું જ કામ સરકારમાં થતું નથી. આ સાથે જ વિધાનસભાના સત્રમાં જ્યારે પણ ભાજપના ધારાસભ્યો અમારી જોડે બેઠાં હોય ત્યારે પણ તેઓ આવી જ ફરિયાદ કરતા હોય છે. આ ઉપરાંત હજૂ પણ 25થી 30 જેટલા ધારાસભ્યો નારાજ હોવાનું પણ સામે આવ્યું છે. જે ધીમે ધીમે લોકો સમક્ષ આવશે. આ સાથે જ રૂપાણી સરકાર પર પ્રહાર કરતા ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, જે રીતે આનંદીબેનની સરકાર પાડવામાં આવી તેવી જ રીતે હવે રૂપાણી સરકાર પણ પડવાની તૈયારીઓમાં છે. આ તમામ તૈયારીઓ દિલ્હીથી થઇ હોવાનું આક્ષેપ ચાવડા કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કૌશિક પટેલ પર પ્રહારો કર્યા છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આજે તાબડતોબ પર મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને નિવાસ સ્થાને આવીને બેઠક કરી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પણ હાજર રહ્યાં હતાં.