- CM Rupani કરશે 'મન ની મોકળાશ'
- આ કાર્યક્રમ હેઠળ બાળકો સાથે ચર્ચા
- કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકો સાથે ચર્ચા
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ બાળકો માટે ખાસ યોજના જાહેર કરીને બાળકના તમામ ખર્ચ સરકાર ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 'મનની મોકળાશ' કાર્યક્રમ અંતર્ગત આ બાળકો સાથે 9 જુલાઇના રોજ ચર્ચા કરવામાં આવશે.
કોરોના મહામારી અગાઉ આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત' કાર્યકમની જેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) એ પણ 'મન ની મોકળાશ' કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યકમ શરૂ થયા બાદ થોડા જ સમયમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર આવતા તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરી વખત 'મન ની મોકળાશ' કાર્યકમ શરૂ કરવામાં આવ્યો છે.
તમામ સમાજના આગેવાનો, અગરિયાઓ, સાધુ સંતો સાથે કરી હતી મોકળા મને ચર્ચા
મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) એ ગુજરાતની પ્રજા અને વિવિધ સમાજોની પીડા જાણવા માટે 'મન ની મોકળાશ' કાર્યકમ શરૂ કર્યો હતો. આ કાર્યકમની શરૂઆતમાં વિવિધ સમાજના વિવિધ વર્ગોને મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બોલાવીને તેમને પડતી સમસ્યાઓ સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ હાંસલ કરે છે કે નહીં? તેની જાણકારી હાંસલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અગાઉ સાધુ સંતો, ગરીબ લોકો, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ, માછીમારો સાથે પણ ચર્ચાઓ કરી હતી.
9 જુલાઈના રોજ બાળકો સાથે કરશે ચર્ચા
મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) એ આગમી 9 જુલાઈના રોજ તેમના નિવાસસ્થાને ફરી વખત 'મન ની મોકળાશ' કાર્યકમ કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી છે. જેમાં આ વખતે કોરોનામાં જે બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે, તેવા અનાથ બાળકોને મુખ્યપ્રધાન સાથે મોકળા મને ચર્ચા માટે બોલાવવામાં આવશે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 60 જેટલા બાળકો સરકારી ચોપડે નોંધાયા છે.