- નવી શિક્ષણ નીતિ 2020 બાબતે નવી સરકારનું મંથન
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે : ભુપેન્દ્ર પટેલ
- તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ગાંધીનગર: આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 (National Education Policy - 2020)ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ (Higher and technical education) માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
ગુજરાત જ્ઞાનની મહાસત્તા બનશે મુખ્યપ્રધાન
ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિઓને સંબોધતા કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે. ગુજરાતના શિક્ષણને વધુ સમૃદ્ધ અને વૈશ્વિક બનાવવા સૌના સહકારની અપેક્ષા અને અભિલાષા વ્યક્ત કરી હતી.
પ્રત્યેક વિદ્યાર્થીઓને ભાવપૂર્ણ આવકાર મળશે
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે. શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું નહીં પણ સાથોસાથ ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધી બોદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થવો જોઈએ તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રત્યેક વિદ્યાર્થીઓને ભાવપૂર્ણ આવકાર મળે તેની વ્યક્તિગત કાળજી લેવાય અને પ્રેરણાત્મક શૈક્ષણિક વાતાવરણ હોય, જ્યાં તમામ વિદ્યાર્થીઓને શીખવા માટે વિવિધ પ્રકારના અનુભવો ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય તે જરૂરી છે અને આ બધુ પ્રાપ્ત કરવું એ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાનું લક્ષ્ય હોવું જોઈએ.