ગાંધીનગરઃ 21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે વિધાનસભા સત્રમાં આવતા તમામ પ્રધાનો ધારાસભ્યો અને સુરક્ષા જવાનો તેમજ પત્રકારોને કોરોનાનો રિપોર્ટ કરાવવાનું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે.
વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલાં પ્રધાન મંડળ અને ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો કોરોના ટેસ્ટ કરાવશે - Assembly Speaker Rajendra Trivedi
21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે વિધાનસભા સત્રમાં આવતા તમામ પ્રધાનો ધારાસભ્યો અને સુરક્ષા જવાનો તેમજ પત્રકારોને કોરોનાનો રિપોર્ટ કરાવવાનું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી રવિવારે 20 સપ્ટેમ્બરના રોજ ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કોરોનાનો ટેસ્ટ વિધાનસભા સંકુલની અંદર જ કરવામાં આવશે.
વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા દર વખતે ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવવામાં આવે છે. ભાજપ પક્ષ દ્વારા વિધાનસભા સંકુલમાં જ્યારે કોંગ્રેસ પક્ષ અમદાવાદ પાલડી ઓફિસ ખાતે અમુક સમયે બેઠક બોલાવે છે, પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાનમાં લઇને તમામ ધારાસભ્યોના કોરોનાનો રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોની બેઠક ગુજરાત વિધાનસભાના સંકુલમાં જ રાખવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભા સંકુલમાં જ ધારાસભ્યોની બેઠક યોજી છે. આ સમય દરમિયાન જ બંને પક્ષના ધારાસભ્યોના કોરોનાનો ટેસ્ટ થશે અને ત્યારબાદ જ તેઓને વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટે પરવાનગી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ એકબીજાને વિધાનસભાગૃહમાં ઘેરવાની તૈયારીના ભાગરૂપે બેઠક યોજે છે, ત્યારે આ વર્ષે કોરોના ટેસ્ટ માટેની સંયુક્ત બેઠક હોય તેવું પણ કહી શકાય.