- ગાંધીજી ખાદીના આગ્રહી હતા
- ગાંધીજીએ ક્યારેય ટોપી પહેરી હોય તેવું આપણને પ્રાપ્ત થયું નથી- નીતિન પટેલ
- કોંગ્રેસ દ્વારા આ ટ્વીટને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું અપમાન બતાવાયું છે
ગાંધીનગર: ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજીએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહેરાતી સફેદ ગાંધી ટોપી પર ટ્વીટ કરતા વિવાદ છેડાયો છે. કોંગ્રેસ દ્વારા આ ટ્વીટને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું અપમાન બતાવાયું છે. જે અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ કહ્યું છે કે, ગાંધીજીના હજારો ફોટા જોઈએ તો પણ ગાંધીજીએ ક્યારેય ટોપી પહેરી હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. જેથી રત્નાકરજીનું નિવેદન સાચું છે તેવું તેમને જણાવ્યું હતું.
ગાંધીજીના કોઈ ફોટોમાં ટોપી પહેરી હોય એવું જોવામાં નથી આવ્યું: નીતિન પટેલ
વધુમાં નીતિન પટેલે કહ્યું કે, "ગાંધીજીના હજારો ફોટા આપણે બધાએ જોયા છે, દસ્તાવેજી ફિલ્મો પણ ગાંધીજીની જોઈ છે, દક્ષિણ આફ્રિકામાં હોય કે પછી અંગ્રેજો સામે લડત ચલાવી હોય કે પછી ભારત આવ્યા હોય અને ભારતનો પ્રવાસ કરી દેશ દર્શન કર્યું, ત્યારે પણ ક્યારેય કોઈ ફોટોમાં ટોપી પહેરી હોય એવું જોવામાં નથી આવ્યું.