ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV Bharat Special: ગુજરાતનું પાટનગર ગાંધીનગર કયા કનેક્શનથી કોરોનાગ્રસ્ત થયું?

ગુજરાતના 8 મહાનગરોમાં ગાંધીનગર શહેરનો વિસ્તાર અને વસ્તી ખૂબ ઓછી છે. 3 લાખ જેટલી સંખ્યા ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રહેતા લોકોની છે. આમ છતાં ગાંધીનગર શહેર અને જિલ્લો કોરોના કેસોની યાદીમાં રાજ્યમાં ચોથા નંબરે છે. ગાંધીનગર જિલ્લાના તાલુકાઓમાં કોરોના પોઝિટિવ 259 કેસ નોંધાયા છે. જેમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે શહેરી વિસ્તારમાં 143 કેસ નોંધાયા છે અને 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે જુઓ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો કોરોના પર ETV BHARATનો વિશેષ અહેવાલ…

ETV Bharat
ગુજરાતનું પાટનગર ગાંધીનગર કયા કનેક્શનથી કોરોનાગ્રસ્ત થયું?

By

Published : Jun 11, 2020, 8:24 PM IST

Updated : Jun 11, 2020, 9:37 PM IST

ગાંધીનગર: શહેરમાં દુબઈથી આવેલા યુવકના કારણે શરૂઆતના ગાળામાં 14 કેસ નોંધાયા હતા. જેને લઇને સમગ્ર શહેર ભયભીત થઈ ગયું હતું. અમદાવાદ કનેક્શનને કારણે હાલમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કોરોના વોરિયર્સ કહેવાય તેવા પોલીસ, પત્રકાર અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ, નર્સ અને વર્ગ-4ના કર્મચારીઓ સંક્રમિત થઈ ચુક્યા છે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર કયા કનેક્શનથી કોરોનાગ્રસ્ત થયું?

પહેલો કેસ 18 માર્ચના રોજ નોંધાયો હતો

ગાંધીનગરના સેક્ટર-29માં રહેતો ઉમંગ પટેલ નામનો યુવક દુબઈ ગયો હતો, જ્યાંથી તે પરત આવ્યા બાદ સંક્રમિત હોવાનું માલુમ પડ્યું હતું. ગત 18 માર્ચના રોજ ગાંધીનગર શહેર અને જિલ્લામાં આ એકમાત્ર પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ આ યુવકના પરિવારજનો અને સંબંધીઓ સહિત 11 લોકો સંક્રમિત થતાં ગાંધીનગરને રેડ ઝોનમાં મૂકી દેવામાં આવ્યું હતું.

પાટનગર કોરોનાગ્રસ્ત થવાનું કારણ

મહાપાલિકાના વિપક્ષના નેતાએ મુખ્યપ્રધાનને લખ્યો હતો પત્ર

ગાંધીનગર શહેરના સેક્ટર-29માં રહેતો અને દુબઈથી આવેલો યુવક પહેલો કેસ નોંધાયો હતો, ત્યારબાદ 32 દિવસની સારવાર પછી ડિસ્ચાર્જ થયો હતો. પરંતુ અમદાવાદથી અવરજવર ચાલુ રહેતાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો હતો. જેને લઇને મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનીએ મુખ્યપ્રધાનને પત્ર લખીને ગાંધીનગર શહેરની સરહદો સીલ કરવા અંગે કહ્યું હતું. જેથી માત્ર ‘ચ’ રોડ શરૂ રખાયો હતો.

ગાંધીનગર શહેરમાં કોરોના વાઇરસ નાબૂદ થઈ ગયો હતો. એક પણ કેસ એક્ટિવ નહોતો, જેને લઇને ગાંધીનગર શહેર કોરોના મુક્ત થઈ ગયું હતું, પરંતુ પુનઃઅમદાવાદ સાથે કનેક્શન થતાં ગાંધીનગર શહેરમાં કોરોના વાઇરસના કેસનો રાફડો ફાટયો હતો. જેને લઇને માત્ર ‘ચֹ’ રોડ શરૂ રાખવાનો નિર્ણય કરાયો હતો, જ્યારે ગાંધીનગરમાં જતાં તમામ રોડને ફરીથી બંધ કરી દેવામાં આવ્યા હતા.

શહેરમાં પહેલું મોત સેક્ટર-29, ગ્રામ્યમાં કોલવડામાં નોંધાયું

ગાંધીનગર શહેરમાં સેક્ટર-29માં દુબઇથી આવેલા યુવકને કારણે પોતાના 82 વર્ષીય દાદા સંક્રમિત થયા હતા. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આ કોરોનાને માત આપી શક્યા નહોતા અને તેમનું મોત થયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકાના કોલવડા ગામમાં રહેતી 52 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

કલેક્ટરનું કડક જાહેરનામું

ગાંધીનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયા બાદ કલેક્ટર દ્વારા 2 વખત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત આવશ્યક સેવાઓને શરૂ રાખવાનો આદેશ કર્યો હતો. જેમાં શાકભાજી અને કરિયાણાની દુકાનનો પણ સમાવેશ થતો હતો, પરંતુ કેસ વધતાં તેની ગંભીરતાને લઇને માત્ર મેડિકલ અને દૂધ પાર્લર જ ખોલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર શહેર અને કલોલ શહેરનો સમાવેશ કર્યો હતો, જેને લઇને દહેગામ અને માણસા નગરપાલિકા દ્વારા પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર સહિત તાલુકાઓમાં નોંધાયેલા કેસની વિગત

જિલ્લાના ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજ દિન સુધીમાં 259 કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 101 કેસમાં 6 મોત, દહેગામમાં 32 કેસ અને 5 મોત, માણસામાં 26 કેસ અને 1 મોત અને કલોલમાં 100 કેસ અને 5 મોત થયાં છે.

ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 146 કેસ અને 4 મોત

ગાંધીનગર શહેરમાં આવેલા તમામ 1થી 30 સેક્ટરમાં કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. મહાપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓમાં આદીવાડા અને બાસણનો સમાવેશ થતો નથી. તે સિવાયના તમામ સેક્ટર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ નોંધાઈ ચુકયા છે. જેમાં આજ દિન સુધી ગાંધીનગર શહેરમાં 146 કેસ અને 4 મોત નોંધાઈ ચુક્યા છે, જ્યારે 102 લોકો કોરોનાને મ્હાત આપવામા સફળ રહ્યાં હતાં.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ગ્રીનરી ધરાવતું શહેર છે, ત્યાં પ્રદુષણની માત્રા સાવ ઓછી છે. ગાંધીનગરની બાંધણી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી જ છે, એટલે કે મકાનોની બાંધણી અને સેક્ટર પણ દૂર-દૂર આવેલાં છે. આમ છતાં ગાંધીનગર કોરોનાગ્રસ્ત બન્યું હતું. સત્તાવાળાઓએ પહેલેથી જ સાવધાની રાખી હોત આટલા બધા કેસ ન આવત. રાજ્ય સરકારે પણ ગાંધીનગરમાં સચિવાયલનું કામકાજ ચાલુ રાખ્યું હતું. દિવસમાં 4 વખત રાજ્ય સરકાર દ્વારા પત્રકાર પરિષદ યોજાતી હતી. સવારે 10 વાગ્યે આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિની પ્રેસ કોન્ફરન્સ, બપોરે 2 વાગ્યે CMO અશ્વિનીકુમારની પત્રકાર પરિષદ યોજાતી હતા, બપોરે 3.30 વાગ્યે DGP પત્રકાર પરિષદ કરતા હતા, અને સાંજે ફરીથી 7.30 વાગ્યે જયંતિ રવિ પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા હતા. ડિજિટલ યુગમાં અને કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારી છતાં 4 વખત પ્રેસ બ્રિફિંગ થતું હતું. તેમાં અમદાવાદથી પત્રકારો જતાં હતા. સચિવાલયનું કામ પણ શરૂ હતું. અમદાવાદથી અસંખ્ય લોકો સચિવાલયમાં કામ લઈને જતાં હતા અને પાછા આવતાં હતા. આમ ગાંધીનગરનું અમદાવાદ કનેક્શન રહેવાને કારણે ગાંધીનગર કોરોનાગ્રસ્ત થયું છે. જેથી તંત્રની નિષ્ફળતાને કારણે જ ગાંધીનગરમાં કોરોના ફેલાયો હતો.

ગાંધીનગરથી દિલિપ પ્રજાપતીનો વિશેષ અહેવાલ

Last Updated : Jun 11, 2020, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details