- સરકારે ફરીથી મૃત્યુના આંકડાઓ છુપાવ્યા
- પાટનગર ગાંધીનગરમાં મોર્ટાલિટી રેશિયો વધ્યો
- સળગતી ચિતાઓ વચ્ચે પણ યોજાઈ ચૂંટણી થઈ રહી છે
ગાંધીનગર: ગાંધીનગરના 2 સ્મશાનમાં દર કલાકે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. સ્મશાનોમાં એક સાથે 4 મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવતો હોવાથી સંબંધીઓએ કલાકો સુધી રાહ જોઈને ઉભા રહેવું પડી રહ્યું છે. આ પ્રકારની ભયંકર પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગરના રુદ્રભૂમિ અને મુક્તિધામ સ્મશાનમાં મૃતદેહોની લાઈનો લાગી રહી છે.
ગાંધીનગરના 2 સ્મશાનમાં એક જ દિવસમાં 31 કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ આ પણ વાંચો:આજથી ટીકા ઉત્સવની શરૂઆત, મહત્તમ યોગ્ય લાભાર્થીઓને રસી આપવાનું લક્ષ્ય
સરકારી ચોપડે 14ના મૃત્યુ, જ્યારે એક જ સ્મશાનમાં 31 મૃતદેહો લવાયા
સરકાર પહેલાથી જ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો છુપાવતી આવી રહી છે. ગાંધીનગરમાં ગુરૂવારે 14 લોકોના મૃત્યુ થયા હોવાના આંકડા સરકારી ચોપડે જોવા મળ્યા હતા, પરંતુ સેક્ટર 30ના મુક્તિધામ સ્મશાનમાં ગુરુવારે 31 કોરોનાગ્રસ્ત મૃતદેહો લવાયા હતા. જ્યારે, રુદ્રભૂમિ સ્મશાનમાં ગુરુવારે સવારે 11 વાગ્યા સુધીમાં 3 મૃતદેહો લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:જામનગર આદર્શ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહોની લાંબી કતારો
સ્મશાનગૃહોમાં કલાકોનું વેઇટિંગ
ગાંધીનગર સેક્ટર 30 મુક્તિધામ તેમજ સરગાસણ રુદ્રભૂમિ સ્મશાન ખાતે કોરોના સંક્રમિતોના મૃતદેહોની અંતિમવિધિ થતી હોવાથી કલાકો સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મુક્તિધામમાં સૌથી વધુ મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી લવાય છે. સ્મશાનમાં એક સાથે 3થી 4 ચિતાઓ સળગતી હોવા છતાં લોકોને કલાકો સુધી વેઇટિંગમાં બેસવાનો વારો આવે છે. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
આ પણ વાંચો:બોટાદમાં કોરોના સંક્રમણમાં ભયાનક વધારો, 9 એમ્બ્યુલન્સમાં દર્દીઓને ભાવનગર ખસેડ્યા
સળગતી ચિતાઓ બની ચિંતાનો વિષય, પણ ચૂંટણી પ્રચાર હજુય ચાલુ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હાલત અત્યંત દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં કોરોના માટેના 400 બેડ ભરાઈ ગયા છે. જેમાંથી એક પછી એક દર્દીઓ સ્મશાન સુધી પહોંચી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ ગાંધીનગરમાં ચૂંટણી યોજાઈ રહી છે. લોકોમાં મતદાન અને ચૂંટણીમાં રસ દાખવ્યા વગર તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ચૂંટણી મોકૂફ રાખવાની કોઈ વાત સામે આવી રહી નથી.