રાજ્યમાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયા, પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન - HEALTH DEPARTMENT
કોરોનાની મહામારીમાં દરમિયાન પોલીસ( Gujarat Police ) દ્વારા અનેક બોગસ તબીબો ( Bogus Doctor )ની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયાં છે. ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ જિલ્લામાં કુલ 218 ગુના દાખલ કર્યા છે, જેમાં સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા ખાતે ઝડપાયા હતા.
રાજ્યમાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયા
By
Published : Jul 17, 2021, 6:14 PM IST
રાજ્યમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી
એક મહિનામાં વધુ 7 બોગસ તબીબો ઝડપાયા
રાજ્યમાં કુલ 228 બોગસ તબીબો ઝડપાયા
ગાંધીનગર :કોરોનાની મહામારીમાં અનેક બોગસ તબીબ બનીને રૂપિયા કમાવાનો પેતરો કરતા ઝડપાયા હતા, ત્યારે રાજ્ય સરકારને આ વિગતો ધ્યાનમાં આવતા રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગ( Gujarat Police ) દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં છેલ્લાં 3 માસમાં 228 બોગસ તબીબો ( Bogus Doctor )ઝડપાયાં છે. જ્યારે એક મહિનામાં વધુ 7 બોગસ તબીબો ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં પોલીસે આવા બોગસ તબીબો સામે અલગ-અલગ જિલ્લામાં કુલ 218 ગુના દાખલ કર્યા છે, જેમાં સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા ખાતે ઝડપાયાં હતા. કોરોનાની બીજી લહેરમાં લોકોને સારવાર માટે બેડ, ઓક્સિજનની સુવિધા સહિતની અનેકગણી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. આ તકનો લાભ લઈને રાજ્યમાં ઠેરઠેર ધાણીફૂટ હોસ્પિટલો શરૂ થઈ ગઈ. જો કે આ તકનો લાભ ઉઠાવી એવા અનેક લોકો સામે આવ્યા, જેમણે બોગસ ડીગ્રી બનાવી અને હોસ્પિટલના નામે હાટડીઓ ખોલી સારવાર કરવાની શરૂઆત કરી હતી. રાજ્યના ગૃહ વિભાગને આ બાબતે અનેક રજૂઆતોના કારણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આદેશ
રાજ્ય ગૃહ વિભાગને મળેલી ફરિયાદોને આધારે રાજ્ય પોલીસ વડાને આવા બોગસ તબીબો કે જેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે, તેમને ઝડપી પાડવા માટે એપ્રિલ 2021માં આદેશ કર્યાં હતા. આદેશના પગલે રાજ્યમાંથી બોગસ તબીબો ઝડપાવવાની શરૂઆત થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 218 બોગસ તબીબો સામે કેસ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 228 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ દાખલ કરવામાં આવેલા 218 ગુના પૈકી 15 ગુનામાં ચાર્જશીટ કરવામાં આવી છે, જ્યારે 203 ગુનામાં હજુ પણ ચાર્જશીટ કરવાની બાકી છે.
રાજ્યમાં હજુ પણ આવા બોગસ તબીબોને શોધવા માટે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના આ ગોરખધંધાનો પર્દાફાશ કરી શકાય, જ્યારે આવનારા દિવસોમાં પણ આ કાર્ય પોલીસ અને આરોગ્યવિભાગ દ્વારા યથાવત રાખવામાં આવશે.