- દમણ-દીવ ભાજપે 28 મુદ્દાઓ સાથેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
- 8 નવેમ્બરે નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી
- દમણમાં ભાજપે 33 ટકા, અને દીવમાં 40 ટકા બેઠક બિનહરીફ મેળવી
- ચૂંટણી ઢંઢેરામાં પ્રશાસનની કામગીરીને પોતાના મુદ્દા ગણાવી આવરી લેવાયા
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવમાં 8 નવેમ્બરે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને દમણ-દીવ ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ ઢંઢેરામાં 28 મુદ્દાઓને ભાજપે સામેલ કર્યા છે.
સુરક્ષા, વિકાસ, મહિલા સશકિતકરણ મુખ્ય મદ્દા
દમણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ અને સાંસદ લાલુ પટેલની ઉપસ્થિતિમાં આગામી 8 નવેમ્બરે યોજાનારી નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. 28 મુદ્દાઓના ચૂંટણી ઢંઢેરા અંગે પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, તેમના ચૂંટણી ઢંઢેરામાં પ્રદેશના લોકોની સુરક્ષા, પ્રવાસનક્ષેત્રે વિકાસ, મહિલા સશક્તિકરણ મુખ્ય મુદ્દાઓ છે.
હાઉસટેક્ષ, પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપશે, માર્ગો પર CCTV કેમેરા
દીપેશ ટંડેલના જણાવ્યા મુજબ, જો દમણ-દીવમાં ભાજપનો ભગવો લહેરાશે તો, દમણ નગરપાલિકાના ઘરવેરા વ્યવસાયિક સ્થળોના વેરાને વ્યાજબી કરવામાં આવશે. શિક્ષણ-આરોગ્ય, ખેલકુદ ક્ષેત્રે વિકાસ કરીશું. વાહન વ્યવહાર માટે સારા રસ્તાઓ, બસસ્ટેન્ડનું આધુનિકરણ કરીશું પ્રવાસનક્ષેત્રે વિકાસ સાધી મુખ્ય માર્ગો પર CCTV કેમેરા લગાડીશું. ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ઉંડા કરી સૌંદર્ય કરણ કરવામાં આવશે. સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવશે. પર્યાવરણ જાગૃતિ લાવવામાં આવશે.
ભાજપે પ્રશાસનની કામગીરીને પોતાની ગણાવી ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરી
ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલા મુદ્દાઓમાં મોટાભાગના મુદ્દાઓ પર ભાજપ શાસિત નગરપાલિકા કે જિલ્લા પંચાયતનો કોઇ જ અંકુશ નથી. તેના પર પ્રશાસન સર્વોપરી છે. પ્રશાસન થકી જ નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં વિકાસના કાર્યો કરવામાં આવે છે. પ્રશાસન સામે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સત્તાધીશો અનેકવાર વામણા સાબિત થયા છે, ત્યારે ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલા મુદ્દાઓ અંગે ચૂંટણી બાદ ભાજપ શાસિત પ્રમુખ અને સભ્યો પ્રશાસન સામે બાથ ભીડિ પ્રજાહિતના કર્યો કરશે કે કેમ તે તે સવાલ મતદારોમાં ઉઠ્યો છે.
મતદાન પહેલા દમણમાં 33 ટકા અને દીવમાં 40 ટકા બેઠક પર ભગવો લહેરાયો