ગુજરાત

gujarat

By

Published : Oct 4, 2020, 1:38 PM IST

ETV Bharat / city

વાપીનું મુસ્લિમ ટ્રસ્ટ બન્યું મિશાલ, કોરોનાના મૃતદેહોની દફનવિધિ કે અગ્નિસંસ્કાર કરી બતાવી માનવતા

વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધા છે. કોરોનાથી સંક્રમિત દર્દીનું મોત થવાથી મૃતકના પરિવારજનો તેનું છેલ્લી વાર મોઢું પણ નથી જોઈ શકતા, ત્યારે આ મહામારીમાં વાપીના એક ‘જમીયતે ઉલેમાએ હિન્દ વાપી’ મુસ્લિમ ટ્રસ્ટે અંદાજિત 100થી વધુ કોરોના મૃતદેહને દફનાવી કે અગ્નિસંસ્કાર કરી સાચા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યાં છે.

વાપીના એક ‘જમીયતે ઉલેમાએ હિન્દ વાપી’ મુસ્લિમ ટ્રસ્ટ બન્યુ મિશાલ
વાપીના એક ‘જમીયતે ઉલેમાએ હિન્દ વાપી’ મુસ્લિમ ટ્રસ્ટ બન્યુ મિશાલ

વાપીઃ વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધા છે. કોરોનાથી સંક્રમિત દર્દીનું મોત થવાથી મૃતકના પરિવારજનો તેનું છેલ્લી વાર મોઢું પણ નથી જોઈ શકતા, ત્યારે આ મહામારીમાં શહેરના એક મુસ્લિમ ટ્રસ્ટે અંદાજિત 100થી વધુ કોરોના મૃતદેહને દફનાવી કે અગ્નિસંસ્કાર કરી સાચા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યાં છે.

આ દરમિયાન આ મુસ્લિમ ટ્રસ્ટના મુખ્ય સભ્ય ઇન્તેખાબ ખાન પોતે પણ કોરોનાનો શિકાર બન્યા હતા. તેમજ આ ગંભીર બિમારી કોરોનાને મ્હાત આપી ફરીથી સ્વસ્થ થયા હતા. આ બિમારીથી સ્વસ્થ થઈ ટ્રસ્ટના મુખ્ય સભ્ય ઇન્તેખાબ ખાન આજે પણ કોરોનાથી પીડાયેલા મૃતકોના મૃતદેહોને કબ્રસ્તાન કે સ્મશાન સુધી લઈ જવામાં જરાય પાછી પાની કરતા નથી.

કોરોનાના મૃતદેહોની દફનવિધિ કે અગ્નિસંસ્કાર કરી બતાવી માનવતા

વાપીમાં ‘જમીયતે ઉલેમાએ હિન્દ વાપી’ નામનું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટના મુખ્ય સભ્ય એવા ઇન્તેખાબ ખાન અને તેની ટીમ 1985થી શહેરમાં અજાણ્યા મૃતદેહોને ધર્મ મુજબ અગ્નિદાહ કે દફનાવવાની વિધિ કરતા આવ્યાં છે.

જેમણે હાલમાં કોરોના મહામારીમાં માનવતાની અનોખી મિશાલ આપી છે. ઇન્તેખાબ અને તેની ટીમે અત્યાર સુધીમાં હિન્દુ, મુસ્લિમ મળી અંદાજિત 100થી વધુ કોરોના મૃતદેહોને દફનાવ્યાં છે અથવા તો સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો છે. આ સમયમાં તેમને પણ કોરોના થયો હોવા છતાં હિંમત હારવાને બદલે કોરોનાની વડોદરામાં સારવાર લઈ ફરી પાછા કોરોના મૃતદેહોને મુક્તિ અપાવવાની કામગીરી કરી રહ્યા છે.

ઇન્તેખાબ ખાનના જણાવ્યા મુજબ વલસાડ સિવિલ, વાપી જનસેવા સહિતની કોવિડ હોસ્પિટલોમાંથી તે કોરોનાની મૃત્યુ પામેલા મૃતદેહોને પોતાની સંસ્થાની એમ્બ્યુલન્સ કે સરકારી એમ્બ્યુલન્સમાં લાવતા હતાં. તેમજ PPE કીટ પહેરી આવા મૃતદેહોને ધર્મ મુજબ કબ્રસ્તાનમાં દફન કરતા હતા, અથવા તો જેતે સ્મશાનમાં અગ્નિદાહ આપતા હતાં. ઇન્તેખાબ ખાન અને તેની ટીમના સભ્યોએ મુસ્લિમ સમાજના 4 કબ્રસ્તાનમાં અંદાજિત 32 જેટલા કોરોનાના મૃતદેહોને જાતે દફનાવ્યા છે.

ઇન્તેખાબ ખાન અને તેની ટીમ 1985થી વાપી રેલવે સ્ટેશને ટ્રેઇન અડફેટે આવી મોતને ભેટતા અજાણ્યા મૃતદેહોને, રસ્તે રઝળતા ભીખારીઓના મૃતદેહોને, અકસ્માતમાં મૃત્યુ પામનારા હતભાગીઓને તેમના ધર્મ મુજબ મુક્તિ અપાવતા આવ્યા છે. અત્યાર સુધીમાં આવા 5000 મૃતદેહોની તેમણે તેમના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરી છે.

આ ઉપરાંત વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, સંજાણના કોરોના હતભાગીઓની દફનવિધિ, અગ્નિસંસ્કાર ઉપરાંત કોરોના દર્દીઓને બરોડા કે અન્ય કોવિડ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર અપાવી સાચા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details