વલસાડ: જિલ્લામાં શુક્રવારે વરસેલા વરસાદમાં ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ઉમરગામ તાલુકામાં સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 132 મિ.મી એટલે કે 5.19 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને ઉમરગામ શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતાં.
વલસાડના ઉમરગામ તાલુકામાં 5.19 ઇંચ વરસાદ નોંધાયો - news of valsad
વલસાડ જિલ્લામાં એક અઠવાડિયાથી વરસી રહેલા મેઘરાજાએ શુક્રવારે પણ પોતાની બેટિંગ શરૂ રાખી હતી. શુક્રવારે વહેલી સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.
રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં અને મહામુસીબતે વાહન ચલાવતા નજરે પડ્યા હતાં. આ ઉપરાંત ઉમરગામની જેમ વાપીમાં પણ શુક્રવારે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ કપરાડામાં 20 મિ.મી, ધરમપુરમાં 28 મિ.મી, પારડીમાં 36 મિ.મી અને વલસાડમાં 55 મિ.મી વરસાદ વરસ્યો હતો.
વરસાદી માહોલને કારણે નદીનાળા પણ બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમના ઉપરવાસમાંમાં પડેલ વરસાદથી ડેમમાં 25,745 ક્યૂસેક નવા પાણીની આવક થઈ હતી. જેની સામે ડેમનું રુલ લેવલ હાલ 75.85 મીટર પર સ્થિત હોય તેને જાળવી રાખવા માટે ડેમના 6 દરવાજા 1મીટર સુધી ખોલી 29,488 ક્યૂસેસ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી.