સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વન્ય અભ્યારણ્ય એવા સિંહ દર્શન માટેનું લાયન સફારી પાર્ક અને ચિકારા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓનું દપાડા ડિઅર પાર્ક અભ્યારણ્ય બનાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન 15મી જૂન આસપાસથી 1 ઓગસ્ટ સુધી બંધ રહેતાં બંને પાર્કમાં બાકીના સાડા 10 મહિના દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ પાસેથી વનવિભાગ નજીવા દરની ટીકિટની આવકને અભ્યારણયના ખર્ચ પેટે સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે.
વન વિભાગના RFO કિરણ પરમારે જણાવ્યું કે, ગત વર્ષ એપ્રિલ 2017થી માર્ચ 2018 દરમિયાન લાયન સફારી પાર્કમાં 93962 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં 65991 પુખ્તવયના પ્રવાસીઓ, 27930 બાળકો, 41 વિદેશી પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 19,38,275 રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. તેવી રીતે એપ્રિલ 2017 થી માર્ચ 2018 દરમિયાન દપાડા ડિઅર પાર્ક વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં કુલ 76,508 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં 51,674 પુખ્તવયના પ્રવાસીઓ, 24,785 બાળકો અને 49 વિદેશી પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 15,65,910 રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. જે મુજબ વર્ષ 2017-18માં વનવિભાગે કુલ 170470 પ્રવાસીઓ પાસેથી 35,04,185 રૂપિયાની આવક મેળવી હતી.
જ્યારે વર્ષ 2018-19ની વાત કરવામા આવે તો એપ્રિલ 2018 થી માર્ચ 2019 દરમિયાન લાયન સફારી પાર્કમાં કુલ 99727 પ્રવાસીઓ થકી 20,71,820 અને દપાડા ડિયર પાર્ક ખાતે 83632 પ્રવાસીઓ થકી 15,53,035 રૂપિયાની આવક સરકારી તિજોરીમાં જમા કરાવી છે. વર્ષ 2019ના વેકેશનનના મહિના ગણાતા એપ્રિલ અને મે મહિના દરમિયાન લાયન સફારી પાર્કમાં 17192 પ્રવાસીઓ, દપાડા ડિઅર પાર્કમાં 13316 પ્રવાસીઓ પાસેથી ટિકિટના પેટે 4,93,340 રૂપિયા વસુલ્યા છે. જેને જોતા વનવિભાગે એપ્રિલ 2018થી લઈને 31 મેં 2019 સુધીમાં કુલ 213867 પ્રવાસીઓ જેમાં પુખ્તવયના 139925 અને 73908 બાળકો પાસેથી કુલ 41,18,195 રૂપિયા ટીકીટ પટે વસુલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.