- DNH ફોરેસ્ટ દ્વારા વાઈલ્ડલાઈફ વિકનું આયોજન
- 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને જંગલથી રૂબરૂ કરાવ્યા
- વિવિધ લેખન સ્પર્ધાઓનું આયોજન કર્યું
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વનવિભાગ દ્વારા વન્ય જીવન સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સપ્તાહ પ્રથમ દિવસે ડિયર પાર્ક ખાતે શાળા- કોલેજના બાળકોને વન્ય જીવન અને વન્ય પ્રાણીઓ અંગે મહત્વની વિગતો આપી હતી. સોમવારે સેલવાસમાં આવેલા નક્ષત્ર ગાર્ડન ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેકિંગ સહિતના આયોજનો કરવામાં આવ્યાં છે.
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું
દર વર્ષે 2 જી ઓક્ટોબરથી 8 મી ઓક્ટોબર દરમિયાન વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ વિકનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઘેઘુર વનરાજી અને વન્ય પ્રાણી અભ્યારણ્ય ધરાવતા દાદરા નગર હવેલી ખાતે પણ વિવિધ પ્રવૃતિના આયોજન સાથે ઉજવણી કરવામાં આવે છે. જે અંગે દાદરા નગર હવેલી વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિરણ પરમારે વિગતો આપી હતી કે, વાઈલ્ડ લાઈફ વિક અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક અને લાયન સફારીમાં બાળકોને સહેલ કરાવી વન્ય જીવો અને વન્ય જીવનથી અવગત કરાવ્યા હતાં. સોમવારે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
નેચર ટ્રેકિંગ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન
કિરણ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી વનવિભાગ દર વર્ષે આ વિકનું આયોજન કરે છે. વાઈલ્ડ લાઈફને પ્રમોટ કરવાના ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ માટે સ્લોગન ક્વિઝ કોમ્પિટિશન, કોલેજના વિદ્યાર્થીઓ માટે નેચર ટ્રેકિંગ સહિતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં દાદરા નગરની 50 જેટલી સરકારી, પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.