દમણ: કોરોનાની સારવારમાં ઉપયોગી અને વિશ્વભરમાં જેની માગ છે. ગુજરાતમાં જેના કાળા બજારનું કૌભાંડ સામે આવ્યું છે. એ રેમડેસીવીર ઇન્જેક્શનોના પ્રથમ બેંચને દમણથી લીલીઝંડી બતાવી મહારાષ્ટ્ર રવાના કરાયો હતો.
રેમડેસીવીર ઇન્જેક્શનના પ્રથમ બેંચને દમણમાં તૈયાર કરી મહારાષ્ટ્ર રવાના કરાઇ તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે હાહાકાર મચ્યો છે અને તેની કોઈ કારગત દવા કે રસી ઉપલબ્ધ થઇ શકી નથી, ત્યારે કોરોના વાઇરસ સામે લડતમાં ઉપયોગી જણાયેલી અને અમેરિકાની USFDA દ્વારા સ્વીકૃત ઇન્જેક્શનોનું નાની દમણમાં આવેલી સોવરીન ફાર્મા કંપનીમાં એની જેનરીક આવૃત્તિ "સીપ્રેમી" નામથી ઉત્પાદન થયું છે અને તેની પ્રથમ બેંચનો જથ્થો મહારાષ્ટ્રમાં રવાના પણ કરી દેવામાં આવ્યો છે.
દમણની સોવરીન કંપનીએ આ દવા સિપલા કંપની માટે જોબવર્કના ધોરણે પુરી પાડી છે. જે અમેરિકાની ગિડીયલ સાયન્સીસને એના વપરાશ માટેની મંજૂરી મળી છે અને એણે ગત મે મહિનામાં સિપ્લા સાથે આ ઇંજેક્શન માટેના કરારો કર્યા છે. જેનું ઉત્પાદન જોબવર્કના ધોરણે દમણની સોવરીન ફાર્મા કંપનીને મળ્યું છે.
આ અંગે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના આરોગ્ય સચિવ એ મુથ્થમાએ જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે તેમજ વિવિધ મેડિસિન અને મેડિકલ ઉપકરણ માટે હબ સમાન છે. જે અંતર્ગત સોવરીન ફાર્માને આ ઓર્ડર મળ્યો હતો. જે માટે જરૂરી તમામ મંજૂરી પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી અને ખૂબ જ ઓછા સમયમાં આ ઇન્જેક્શન બનાવી તેના પ્રથમ જથ્થાને રવાના કરવામાં આવ્યો છે.
કંપનીને આ ઓર્ડર મળ્યા પછી કંપનીની સમગ્ર ટીમ સમગ્ર શક્તિ સાથે આ કામ પાછળ એક મહિનાથી જોતરાઈ ગઈ હતી. આ ઇંજેક્શનના પ્રથમ બેંચને રવાના કરતા તેઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કંપની દર મહિને 50 હજારથી 80 હજાર સુધીના રેમડેસીવીર ઇન્જેક્શનો બનાવવાની ક્ષમતા ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, સિપ્લા ભારતમાં જેનરીક દવાઓ બનાવતા મહત્વના 6 ઉત્પાદકો પૈકીની એક મોટી કંપની છે. જેમણે પોતાની આ પેટન્ટ દવા રેમડીસીવીર માટે વિશેષ લાયસન્સ હેઠળ કરાર કર્યા છે, ત્યારે એક તરફ ગુજરાતમાં આ ઇન્જેક્શનના કાળા બજારનું કૌભાંડ ફૂટ્યા બાદ ગુજરાત સરકાર ઘર આંગણે તેનું ઉત્પાદન કરી કોરોનાના દર્દીઓને મફતમાં આપવાની જાહેરાત કરી વાહવાહી મેળવવામાં મથ્યું છે. જેની સામે દમણમાં આ ઇન્જેક્શન તૈયાર થઈ મહારાષ્ટ્રમાં રવાના થઈ ગયું છે. જેનો લાભ ગુજરાતને તો ઠીક પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણને હજૂ મળ્યો નથી.