- વાપીમાં ભાગીદારીના ધંધામાં ખોટી સહી કરી લાખોની છેતરપિંડી
- છેતરપિંડી મામલે દંપતી અને પુત્ર સહિત 3 સામે નોંધાઇ ફરિયાદ
- નાકોડા એન્ટરપ્રાઇઝના નામે 42 ફ્લેટનું એક બિલ્ડીંગ બનાવ્યું
- છેતરપિંડીના ગુનામા સંડોવાએલા 3 આરોપી ફરાર
વલસાડઃ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી નાકોડા એન્ટરપ્રાઈઝના સંચાલક મોહન માલી અને તેમની પત્ની તથા પુત્ર સામે તેમના જ ભાગીદાર રિતેશ દોશીએ છેતરપિંડીના ગંભીર આરોપ સાથે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લાખોની છેતરપિંડીના આ કિસ્સામાં હાલ આરોપી દંપતી અને પુત્ર ફરાર છે પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
એન્ટરપ્રાઇઝના નામે 42 ફ્લેટનું બિલ્ડીંગ બનાવ્યું
વાપી ડુંગરાના નાકોડા એન્ટરપ્રાઇઝના ભાગીદાર તથા રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝના માલિક રિતેશ રમેશભાઈ દોશીએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના નાકોડા એન્ટરપ્રાઇઝના ભાગીદાર મોહનલાલ માલી, પ્રમીલા મોહનલાલ માલી તથા તેમનો પુત્ર નીરજ મોહનલાલ માલી સાથે તેમના પિતાના કહેવાથી વર્ષ 2001માં ડુંગરા બ્રહ્મદેવ મંદિર સામે નાકોડા એન્ટરપ્રાઇઝના નામે 42 ફ્લેટનું એક બિલ્ડીંગ બનાવ્યું હતું. 2006માં બીજા 4 માળના બિલ્ડીંગમાં 24 ફ્લેટ તથા ચાર દુકાન બનાવી સહિયારી ભાગીદારીમાં કરાર કર્યો હતો કે, તમામ ફ્લેટ તથા દુકાનોનું વેચાણ નહીં કરવું પરંતુ ભાડેથી આપવાનું જે મુજબ તમામ 70 ફ્લેટનું મહિનાનું ભાડું 1.96 લાખ સરખે હિસ્સે વહેંચી લેવામાં આવતું હતું.
વર્ષ 2017ના જુલાઈ માસથી ઓગસ્ટ 2018 સુધીના 13 માસના ભાડાના 12,74000 રૂપિયા તેઓને નહીં મળતા રૂપિયાની માગણી કરી હતી. જેમાં આરોપીઓએ તેને ધાક-ધમકી આપતા આખરે બંને પક્ષે સમાધાન કરી ભાગીદારીમાંથી છૂટા પડ્યા હતા.