ભાવનગર: શહેરની સ્થાપના ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. ભાવનગરના છેવાડે આવેલા વિસ્તારો દરિયાઈ કાંઠાળ વિસ્તાર છે, જેને વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ વેટલેન્ડમાં દર વર્ષે શિયાળાનો પ્રારંભ થતા વિદેશી પક્ષીઓ (Foreigner Birds in Bhavnagar) આવે છે. હાલમાં ભાવનગર વેટલેન્ડમાં અનેક નિહાળ્યા ના હોઈ તેવા પક્ષીઓના પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે, પરંતુ ઇલેક્ટ્રિક લાઇન અને પ્લાસ્ટિક કચરા સામે પર્યાવરણપ્રેમીઓએ સાવધાન રહેવા ટકોર કરી છે.
ગુજરાતમાં આવતા પક્ષીઓમાંથી સૌથી વધુ પક્ષીઓ
ભાવનગર શહેર દરિયાકાંઠાનું શહેર છે, પરંતુ વર્ષો બાદ દરિયો દૂર જરૂર જતો રહ્યો છે. દરિયાના કાંઠાળા વિસ્તાર એટલે વેટલેન્ડ (wetlands of Bhavnagar) છે. આ વેટલેન્ડ શિયાળામાં વિદેશી પક્ષીઓથી ભરાય જાય છે. પર્યાવરણપ્રેમી ડો.તેજશ દોશીએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આશરે 600 પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં 200 પ્રજાતિના પક્ષીઓ માત્ર ભાવનગર વેટલેન્ડમાં આવે છે. ફ્લેમિંગો, ડક, પેલીકન જેવા અનેક પક્ષીઓ આવી રહ્યા છે. આ પક્ષીઓ યુરોપ જેવા દેશો તરફથી આવે છે. 150 કરતા વધુ પ્રજાતિના પક્ષીઓ વેટલેન્ડમ આવી રહ્યા છે.