- ભાવનગરમાં પશ્ચિમ રેલવેના GM આલોક કંસલ સાથે રૂબરૂ
- રેલવે જીએમે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અંગે માહિતગાર કર્યા
- ETV Bharat સાથે GM કંસલે ઇન્સ્પેકશન અને ગેજ કન્વર્ઝન વિશે માહિતી આપી
ભાવનગરઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ ભાવનગરમાં ચાલી રહેલા વિકાસના કામોનું ચેકિંગ કરવા માટે આવી પહોંચ્યાં હતાં. રેલવે હોસ્પિટલ, સ્ટેશન વગેરે કામોનું ઇન્સ્પેકશન જીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીઆરએમ સહિતનો કાફલો જીએમ સાથે ઇન્સ્પેકશનમાં હાજર રહ્યો હતો.
ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને બોટાદમાં ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝન
ભાવનગર આવેલા જીએમ આલોક કંસલે રેલવે હોસ્પિટલની મુલાકાત લઈને ઇન્સ્પેકશન કરીને જાણકારી મેળવી હતી. રેલવે હોસ્પિટલમાં 75 બેડ છે અને 500 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જીએમે હોસ્પિટલના વખાણ કર્યા હતા અને રેલવે કર્મચારીઓને મુશ્કેલી પડે નહીં તે બાબતે પણ રેલવે હોસ્પિટલને ધ્યાન રાખવા ટકોર કરી છે. એ સિવાય જીએમ દ્વારા ભાવનગરના ખાસ અગત્ય ગણાતાં બોટાદ ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝન માટે જણાવ્યું હતું કે 2021 ડિસેમ્બર અંત સુધીમાં કામ પૂર્ણ થશે. આ મામલે ETV BHARAT સાથે એક્સક્લૂસિવ વાતચીત જીએમ દ્વારા કરવામાં આવી હતી.
રેલવે જીએમ સાથે ખાસ વાતચીત
સવાલ - ભાવનગરમાં તમે ઇન્સ્પેકશન કર્યું અને રેલવે હૉસ્પિટલમાં પણ ઇન્સ્પેકશન કર્યું છે જે ચર્ચામાં રહ્યું છે. તમે શું ઇન્સ્પેકશન કર્યું ? શું નવીનીકરણ છે અને કયા નિર્ણયો લીધાં છે ?
જીએમઃ રેલવે ડિવિઝન મંડળની 75 બેડની હોસ્પિટલ છે અને કોવિડ મહામારીમાં રાજ્ય સરકારે કોવિડ હૉસ્પિટલ જાહેર કરી હતી. કોવિડ મહામારીમાં હોસ્પિટલમાં સારો ઉપચાર પણ કરાયો છે. ત્યાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થયું છે. જેનો હું પ્રારંભ કરાવીને આવ્યો છું. હોસ્પિટલ હવે આત્મનિર્ભર બની છે. ત્યાં નવી લેબોરેટરી પણ શરૂ કરાઇ છે. જેથી દરેક ટેસ્ટ એક જ સ્થળે થઈ શકશે અને અમારા કર્મચારીઓને બીજે ક્યાંય જવું નહીં પડે. હોસ્પિટલમાં સાફસફાઈ સારી હતી અને ડોક્ટરો સારાં હતાં. ડોક્ટરોએ જણાવ્યું કે તેમણેે શહેરમાં કોઈએ ન કરી હોય તેવી સર્જરી કરી છે
સવાલ - ભાવનગરના લોકોની નજર બોટાદ ગેજ કન્વર્ઝન પર છે તેનું કામ ક્યાં પહોંચ્યું છે ? બીજું, ઇલેક્ટ્રિક લાઇન ધોળા સુધી જ છે તે ક્યાં સુધી પહોંચી છે ?
જીએમઃ અમારે ત્યાં બે ગેજ કન્વર્ઝનના પ્રોજેકટ એક જેતલસરથી ઢસા અને બીજો બોટાદથી અમદાવાદ વચ્ચે ચાલુ છે. જે આગામી 2021 ડીએમ્બરના અંતમાં ટ્રેન ચાલુ થઈ જશે અને લોકીને સેવા મળી રહેશે લોકોને વધુ રાહ નહીં જોવી પડે અને મુસાફરી થઈ શકે છે. ઇલેક્ટ્રિક લાઇનની વાત છે તો હાલ અમે ડીઝલથી ટ્રેનો ચલાવીશું પણ સમગ્ર ડિવિઝનમાં આગામી 2023 ડિસેમ્બર સુધીમાં બધી રેલવે લાઈનો ઇલેક્ટ્રિક થઈ જશે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ડાયવર્જન માટેની જમીન મળવા છતા હજુ સુધી શરૂ નથી થયુ કામ