- સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં ડૉક્ટર પર હુમલાનો ફરી વખત બનાવ
- ENT વિભાગનાં ડૉક્ટરે દર્દીને ઈમરજન્સી ન હોવાથી સવારે આવવાનું કહ્યું હતું
- દર્દીનાં સંબંધીઓએ છરી વડે તબીબ પર હુમલાનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઈ હતી
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીનાં સંબંધીનો ડૉક્ટર પર જીવલેણ હુમલો
ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં આવતા સામાન્ય દર્દીઓનાં ખિસ્સામાં પાન મસાલા કે તમાકુની તપાસ કરવામાં આવે છે. જો કે, ગત રાત્રે ENT વિભાગમાં સારવાર માટે આવેલા દર્દીને ડૉક્ટર દ્વારા હાલ ઈમરજન્સી ન હોય તો સવારે આવવાનું કહેતા દર્દીનાં સંબંધીઓએ ડૉક્ટર પર છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં ડૉક્ટરને કોઈ ઇજા પહોંચી ન હતી, પરંતુ આ ઘટના બાદ હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવતા લાખો રૂપિયા પર સવાલો ઉભા થાય છે.
ભાવનગર: સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ENT વિભાગનાં ડૉક્ટર પર જીવલેણ હુમલાની ઘટના બની છે. મોડીરાત્રે ENT વિભાગમાં ડૉક્ટર પર છરી વડે હુમલાનો પ્રયાસ થયો હતો. સવાલ ત્યાંજ આવીને અટકી ગયો છે કે, સિક્યુરિટી હોવા છતાં ડૉક્ટર પર હથિયાર વડે હુમલા થતા હોય તો સિક્યુરિટીનો લાખોનો ખર્ચ શા માટે ?
દર્દીને કાનમાં દુખતું હોવાથી રાત્રે 2 વાગ્યે સંબંધીઓ લઈ આવ્યા હતા
ભાવનગર સર ટી હોસ્પિટલમાં 28મીએ મધરાત્રે 2 કલાકે એક દર્દીને કાનમાં દુખતું હોવાથી તેના સંબંધીઓ ENT વિભાગમાં લઈને આવ્યા હતા. આ સમયે ત્યાં ફરજ બજાવતાં ડૉ.ઉદિત ચાવડાએ આ કોઈ ઇમરજન્સીનો બનાવ ના હોવાથી સવારે આવવાનું કહેતા દર્દીનાં એક સબંધીએ પોતાની પાસે સંતાડીને રાખેલી છરી કાઢીને ડૉક્ટર પર હુમલો કરવા દોડ્યો હતો. જોકે, ડૉક્ટર સમયસૂચકતા વાપરીને ત્સાંથી ખસી જતા અન્ય એક વ્યક્તિએ વચ્ચે પડીને હુમલો કરનારને બહાર લઈ ગયા હતા.