ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક ચૂંટણીઓ લડવા ભાજપ સંઘના સહારે? આગામી ચૂંટણીઓના ચકરાવામાં નવા વર્તુળો - આપ

ઉત્તરથી ઊતરી આવતી ઠંડી હવાઓને પગલે ગુજરાતમાં શિયાળો જામી ગયો છે. કોરોના બચાવના નિયમપાલનો પ્રજા કરી રહી છે અને રાજકીય પક્ષો નિર્વિઘ્ન તેમના 'કામો' કરી રહ્યાં છે અને જાહેર માર્ગો પર સમર્થકોની ભીડ જૂટાવી રહ્યાં છે. 'એ લોકો' સામાન્ય જનતા સમુદાયથી અવળાં મોં રાખીને સત્તાધારીઓ કે વિપક્ષ પાર્ટી એમ બે શબ્દમાં સમેટાયેલાં છે. ચાની ચૂસ્કીઓ સાથે ચૂંટણીલક્ષી રાજકીય ઉઠાપટકની વાતો કરવાનો લહાવો લેવો ગુજરાતીઓ માટે રોજિંદા જીવનમાં ખાસ જગ્યા ધરાવે છે. ત્યારે રાજ્યની તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં આગામી પાંચ વર્ષ માટે સત્તાનો દોર+દમામ પ્રાપ્ત કરી લેવા એડીચોટીનું જોર લગાવી મેદાનમાં ઊતરવા 'એ લોકો' માટે આખરી તૈયારીઓનો સમયગાળો છે. અમદાવાદમાં આજે પાંચમી જાન્યુઆરીથી આરએસએસની સમન્વય બેઠક શરુ થઈ ગઈ છે ત્યારે ભાજપ માટે તેની આ મૂળીયાં જેવી સંસ્થાનો સહારો તેની સામેના પલડાંની ટક્કર લેવા માટે ભાથું પૂરું પાડશે? ચાલો જાણીએ...

સ્થાનિક ચૂંટણીઓ લડવા ભાજપ સંઘના સહારે? આગામી ચૂંટણીઓના ચકરાવામાં નવા વર્તુળો
સ્થાનિક ચૂંટણીઓ લડવા ભાજપ સંઘના સહારે? આગામી ચૂંટણીઓના ચકરાવામાં નવા વર્તુળો

By

Published : Jan 5, 2021, 3:57 PM IST

Updated : Jan 5, 2021, 5:42 PM IST

  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- ભાજપનું સહિયારું
  • સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ માટે ભાજપમાં ગભરાટ કેમ છે
  • આપ અને એઆઈએમઆઈએમ બીટીપી ને પછી કોંગ્રેસ સામે કરવી પડશે તૈયારી

    અમદાવાદઃ પાછલાં અઢી દાયકાથી સત્તાની સીધી વાટે હાલ્યો આવતો ભાજપ તેની સામેની દિશામાંથી આવી રહેલાં સત્તાના દાવેદારો સામે હવે સાબદો થશે. ગુજરાતની વાત કરીએ તો પ્રજાના સૂંડલેસૂંડલે મત મળ્યાં પછી ભાજપ આત્મવિશ્વાસમાં હોય તે સ્વાભાવિક છે. તો વિપક્ષો, જેમાં સદી જૂની છે એટલે સૌ પહેલાં મૂકીએ એવી કોંગ્રેસ, પછી...પછી....એવા ક્રમમાં 2021ની ચૂંટણીઓ આગવા આયામ લઇને આવી રહી છે. ગુજરાતમાં આપનું ઝાડુ ગઇ વિધાનસભામાં ચાલ્યું ન હતું પણ હવે દિલ્હીમાં મળેલી બીજા ટર્મની સફળતા બાદ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ બુલંદ છે કે હવે તો ગુજરાતમાં આપણો સિક્કો પડે તેનો ચાન્સ છે. સતત સત્તામાં રહેલા ભાજપ વિરુદ્ધ જે રીતે થઈ શકે તે રીતે એન્ટિ ઇન્કમ્બન્સી- સત્તાવિરોધી લહેર જમાવવી એ દરેક રાજકીય પક્ષનો વનલાઈન એજન્ડા છે. કોંગ્રેસ હોય કે આપ હોય, કે અમૂક જૂથ પર પ્રભુત્વ ધરાવતાં રાજકીય વ્યક્તિલક્ષી સમૂહ-બીટીપી અને એઆઈએમઆઈએમ હોય, ગુજરાતની ધરતી પર ભાજપને ધોબીપછાડ આપવા સ્થાનિક સ્વરાજ્યની નાના સ્તરની ચૂંટણી પણ કેમ ન હોય, કમર કસી લીધી છે અને ઝૂકાવી દીધું છે. આ ચોપાટના પાસાં ક્રમશઃ કોરોના લોકડાઉન ખોલવાના સમય બાદથી હળવે હળવે શરુ થઈ ગયેલાં જ હતાં જેમાં હવે સમય અને સંજોગ પારખીને સોગઠાં રમતાં મૂકાઈ ગયાં છે.

6 કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માથે ઊભી છે

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, જામનગર મહાનગરપાલિકાઓમાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની હતી જે કોરોના કાળને પગલે મોકૂફ રહી હતી. હવે 12 જાન્યુઆરીએ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ અંગે માહિતી આપવાનું છે ત્યારે આ છ કોર્પોરેશન સહિત 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સંદર્ભમાં આરએસએસ-ભાજપની પ્રવૃત્તિઓ અને અન્ય પક્ષોની રાજકીય ગતિવિધિઓ શરુ થઈ ગઇ છે.

સમન્વયના આ છે બધાં પાસાં
ભાજપ સામેના પક્ષોની ત્રિરાશિઅહીં આપણે કોંગ્રેસની વાત પહેલાં કરી લઇએ ટૂંકમાં પતે એવી છે. કેમ કે કેન્દ્રમાં જ જ્યાં અધ્યક્ષ પદને લઇને કોંગ્રેસની દયનીય હાલત હોય ત્યાં પ્રાદેશિક પ્રમુખ તાણી તાણીને કેટલાં થીગડાં મારશે? અમિત ચાવડાએ આઠ વિધાનસભા ચૂંટણીમાં થયેલા કરુણ રકાસ પછી રાજીનામું ધર્યું તોય એ જ હજુ પ્રમુખ છે. તેની સમિતિઓના ઠેકાણાં નથી ત્યાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની તો વાત જ ક્યાં માડવી. હાર્દિક પટેલ જેવા તોખારી નેતાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યાં પછી પણ જીર્ણશીર્ણતા કાયાકલ્પ પામી હોય એવું જનતા તો અનુભવી રહી નથી. સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ માટે રાજીવ સાતવ છેલ્લાં એકમાસથી વધુ સમયથી ગુજરાતમાં આવજા કરી રહ્યાં છે અને સેન્સ લઇ રહ્યાં છે. તેમ છતાં કપરાં ચઢાણ છે તે કોંગ્રેસને ખબર છે અને તેની ગતિવિધિમાં ઠંડક જ ઠંડક છે એટલે હાલ તો તે ભાજપ માટે સબળ પ્રતિસ્પર્ધીની ભૂમિકામાં નથી એવું અનુમાન કરવું અતિશયોક્તિ નહીં હોય.ભાજપ સામે આપ પડકારરુપ બનવાની શક્યતા?અન્ના હજારેના જનઆંદોલનની રાજકીય ફળશ્રુતિ એવા અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી-આપ. દિલ્હી જેવી દેશની રાજધાનીમાં બીજી ટર્મમાં ચૂંટાઈ આવે તો સ્વાભાવિક જ દેશની જનતા કંઇક ઝીણી આંખે જૂએ તો ખરી જ કે ભાઈ જોઇએ તો ખરા..શું કામ કર્યું કે દિલ્હી પર બીજીવાર ફતેહ મળી? દિલ્હીના માપી શકાય એવા સીમાડાઓમાં તેની સફળતા જોવી અને વિશાળ જનસમૂહના વર્ગોના કામને એ ફૂટપટ્ટીથી માપીને જોઇ લઇ લાર્જર ધેન લાઇફ પિક્ચર દેખાડવાની તક આપના હાથમાં છે એ તો નક્કી છે. ગુજરાત તો વળી ભાજપના શ્વાસપ્રાણ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા બળકટ નેતાનું હોમસ્ટેટ છે! આ તાકાતનો અહેસાસ ગુજરાતમાં બહારથી આવતી પાર્ટીના ધુરંધરોને ન હોય તેવું તો બને નહીં. બે દિવસ પહેલાં આપના રાષ્ટ્રીય પ્રવક્તા અતિશી સિંહ જનમાધ્યમોને મળ્યાં હતાં. તેમણે ગુજરાતમાં આપનો સત્તાપ્લાન શું છે તે અંગે વિગતવાર વાતો કરી હતી. તેમની રજૂઆતના મુખ્ય મુ્દા જોઇએ તો...એક,કોંગ્રેસને તેણે પણ હરીફ તરીકે ગણવામાંથી કાઢી નાંખી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી ભાજપના કાર્યાલયમાં તૈયાર થાય છે તેવું કહીને અતિશીએ સૂચવી દીધું છે કે ગુજરાતમાં લડવા માટે એક જ પાર્ટી છે. આપે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે તેમના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે એ રીતે તો તે ભાજપ કરતાં પણ એડવાન્સ પ્લાનિંગ સાથે ચાલી રહી છે. બે,દિલ્હી સરકારે કરેલી કામગીરી લોકો સમક્ષ મૂકીને, વળી એકવાર ભ્રષ્ટાચારમુક્ત શાસનની વાત કરીને, ભાજપ નહીં, અમે જ તમને સુખી કરીશું એવા એજન્ડા લોકોને ગળે ઊતારવા માટેના સો ટકાના પ્રયાસ આપ કરશે તે પણ અતિશી સિંહે કહેલી વાતો પરથી સાફ થઈ જાય એવા છે. ત્રણ, આપ પ્રવક્તાએ બીટીપી અને એઆઈએમઆઈએમના ગઠબંધન અંગે પણ એવું કહ્યું કે આ બંને પણ ભાજપને સમર્થન આપવા માટે જ કામ કરી રહ્યાં છે! એટલે આમ આદમી પાર્ટી ભાજપ જ નહીં, અન્ય તમામ પક્ષ માટે મુખ્ય પ્રતિદ્ધંદીની ભૂમિકામાં પોતાને જોઇ રહી છે. બીટીપી+એઆઈએમઆઈએમ ગઠબંધનઆપે કહ્યું તેમ ન હોય અને આ બંને ભાજપના માટે કામ ન કરતાં હોય એવું હોય તો? બીટીપી એટલે છોટુ વસાવા એવી સૌને ખબર છે. કારણ કે તેમણે રાજ્યસભા ચૂંટણીમાં તે એકમાત્ર મત માટે ખૂબ કીમતી બની ગયાં હતાં એ હજુ સૌને યાદ પણ છે. આદિવાસી વિસ્તારમાં પહોંચ રાખતાં આ નેતા ભાજપથી નારાજ છે તો કોંગ્રેસ સાથેનો નર્મદા જિલ્લા પંચાયતનો છેડો પણ ફાડી નાંખ્યો છે. તેમની પૂછાપૂછ વધી એટલે છોટુ વસાવા મોટું માથું બન્યાં કારણ કે હવે તેઓ અસદદ્દીન ઔવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સાથે નાતો જોડી ચૂક્યાં છે અને તેની સાથે મળીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ લડવાના છે. અદભૂત ધરી આ બંનેની રચાઈ છે, જેણે ગુજરાતના સ્થાનિક રાજકારણ માટે નવું પાનું લખ્યું છે. એ હવે પ્રકરણ બનશે કે પાનું જ બનીને રહી જશે તે થોડાક સમયમાં ચોખ્ખું થઇ જશે.
ઔવૈસીની પાર્ટી સાથે નાતો જોડી ચૂક્યાં છે છોટુ વસાવા
માછલીની આંખ અને અર્જૂનના તીર સમાન ભાજપ-આરએસએસની રણનીતિ રહેશે?ગુજરાતમાં ભાજપ સત્તા પર, કેન્દ્રમાં સત્તા પર એવા માહોલમાં સ્વાભાવિક જ તેને લોકોના કામ કરવામાં જે સરળતા હોય તે બીજાને ન હોય. કોંગ્રેસે 60 વર્ષમાં બહુ કામો બાકી રાખ્યાં એ જતાવી જતાવીને સત્તા મેળવી હોય ત્યારે સહજરુપે જ ભાજપ એટલું તો ધ્યાન રાખે કે આપણે કામ કર્યાં છે તેને જનતા ભૂલે નહીં એ રીતે ઢોલનગારાં વગાડી વગાડીને જણાવવા પડે. નહીં તો જનતાની યાદદાસ્તનો પનો ટૂંકો પડી જાય તો ડખા થઈ પડે. ગુજરાતની મોટાભાગની જનતા જોકે તેની નજરોનજર સ્કાયલાઈન બદલાતી જોઇ તે સમજે પણ છે. આમ છતાં હવે ક્યાંક ક્યાંક વિરોધપક્ષોના મુદ્દાઓ પણ લોકોને ધ્યાને આવવા માંડ્યાં છે. ભ્રષ્ટાચારનો મુદ્દો તો વિશ્વવ્યાપી છે અને રહેવાનો છે જ, પણ ભાજપની ગુજરાત સરકારની આપવડાઇઓ અને લોકોને કોરાણે મૂકી લોકોથી કટઓફ થઇને અથવા તો અમારા લોકો જ ખાટી જાય તેવા પ્રકારની તોછડાઈ ગુજરાતની જનતાને બરાબરની કઠી ચૂકી છે. પ્રજાની આ નાડ પારખવામાં અને તેનો ઉપાય કરવામાં ભાજપે આરએસએસ જેવા ઊંડા ઊતરેલાં મૂળીયા ધરાવતી માતૃસંસ્થાને આલબેલ પોકારવી જ રહી. જો ભાજપ એમ સમજ્યો કે તે સંપૂર્ણ સુરક્ષિત છે તો મુશ્કેલી સર્જાવાની છે. લોકો માટેના નિયમો અલગ અને ભાજપના નેતાઓ-પ્રધાનો માટેના અલગ નિયમો છે એ કોરોના ગાઈડલાઈનના પાલન, માસ્કના દંડના નામે, સોશિઅલ ડિસ્ટન્સિંગ પાલનના નામે એકદમ ભાજપ ઉઘાડો પડી ગયેલો છે. ભાજપને અછોઅછો વાનાંનો જમાનો ગયો છે તે હવે આરએસએસ પણ નહીં સમજે તો ગુજરાતની જનતા તેનું પણ ન સાંભળે એવા હાલના સંજોગો છે. આ લાલબત્તી ઊંડેઊંડે ભાજપ અને આરએસએસ બંનેએ જોઇ લીધી છે એટલે જ છેલ્લાં બે માસથી ભાજપના પ્રદેશ પ્રમુખે આવતાંવેંત કવાયતો આરંભી અને માળખું મજબૂત કરવાના કામે લાગી ગયાં હતાં. તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક, હોદ્દેદારોની નિમણૂક, સાંસદો-ધારાસભ્યો-પ્રમુખો-ચૂંટણી ઇન્ચાર્જો વચ્ચેની બેઠકોનો ધમધમાટ તેને લઇને જ છે. ત્યારે ભાજપ સત્તાના સ્વયંવરમાં માછલીની આંખ જેવી ખુરશીઓ મેળવવા અર્જૂનના તીરની ભૂમિકા માટે આરએસએસની રણનીતિનો સહારો લેશે જ લેશે તે સ્પષ્ટ છે. આરએસએસની સમન્વય બેઠકનું મહત્ત્વઆરએસએસની સમન્વય બેઠક વર્ષમાં બે વાર યોજાય જ છે પણ પહેલી જ બેઠક ગુજરાતમાં અને તે પણ સ્થાનિક ચૂંટણીઓના પડઘમ અને આખરી ઓપના દિવસોમાં યોજાય તે કાંઇ નાનોસૂનો ઇશારો તો છે નહીં. આરએસએસમાં જ રાજકીય પાંખ તરીકે ભાજપનો જનમ છે ત્યારે સ્વાભાવિક જ ભાજપને તકલીફ હોય તો આરએસએસના વડાઓનો સાથસહકાર, માર્ગદર્શન અને સૂચનો ભાજપને ઉપકારક જ બને. એટલું જ નહીં, એની લાલ આંખ પણ ભાજપને ચેતી જવા માટે કામમાં આવતી હોય છે. પોતાની સામાજિક અને સાંસ્કૃતિક પકડને લઇને અને જનતા સુધીની પહોંચના કારણે આરએસએસ અન્ય પક્ષો માટે પણ ભાજપના સંદર્ભે વિચારવાલાયક એકમ બની રહે છે. તો આરએસએસ તેની સમગ્ર નેતાગીરી સહિત ગુજરાતમાં હોય અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતમાં હોય અને ગુજરાતની ભાજપ સરકારના બંને મુખ્યપ્રધાનો-પ્રધાનો-પ્રદેશ અધ્યક્ષ સહિતના પ્રાદેશિક માળખાંના અગ્રણીઓ પણ સંકલનમાં હોય ત્યારે સ્થાનિક ચૂંટણીઓને પણ હવે મહત્ત્વ મળી રહ્યું હોય તે સમય ભાજપ માટે આવી ગયો છે તે સમજી લેવા જેવું છે. હૈદરાબાદની સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર માટે નડ્ડા ગયાં, યોગી ગયાં અને પીએમ મોદી કોઇ જાહેરાત વિના પણ ગયાં હતાં અને નોંધપાત્ર બેઠકો જીતી લાવ્યાં એ યાદ છે ને! તો ભરશિયાળે જનતા સુધી પહોંચવામાં પરસેવો છૂટી જવાનો હોય ત્યારે આરએસએસની હૂંફ મેળવીને ભાજપ ચૂંટણી જીતી જવી શક્ય બનાવી શકે છે.સમન્વયના આ છે બધાં પાસાં5, 6 અને 7 જાન્યુઆરી એમ ત્રણ દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાતના ગાંધીનગર શહેરને અડીને આવેલા ઉવારસદમાં 'સમન્વય' કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત , ભૈયાજી જોશી ઉપસ્થિત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ, રામ મંદિર, બંગાળ ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા યોજાવાની છે. તેમ જ તમામ સંગઠનો પોતાના દ્વારા કરાયેલી કામગીરી અંગે સમીક્ષા કરશે અને આગામી સમયના કામ અંગે પણ ચર્ચા કરવામાં આવશે તેમ જણાવવામાં આવેલું છે. આરએસએસની ભગિની સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય કિસાન સંઘ વગેરે સંસ્થાનોના રાષ્ટ્રીય કક્ષાના પ્રમુખો તેમાં ભાગ લઇ રહ્યાં છે. જેમાં ચોક્કસપણે પ્રદેશ સંગઠન, ચૂંટણીઓ, ચૂંટણી પ્રચારને લઈને ચર્ચા થશે. તો શું હશે ચર્ચા તેનું અનુમાન લગાવી શકો છો.ભાજપ તેની રણનીતિને આરએસએસ પાસે આખરી મત્તું મરાવીને પૂરા જોશ અને જોમથી પંદર જાન્યુઆરી પછી સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં દેખાશે એ નક્કી જાણજો. બાકી તો લોકોને જણાવવા માટે તેમની યોજનાઓની સફળતા, વિકાસકાર્યો અને આગામી આયોજનોનું લાંબુલચ લિસ્ટ ભાજપ પાસે છે. એ છે કારણ કે તેમણે કહ્યું તેમ કર્યું છે તેવું પ્રજાને જણાવતાં રહ્યાં છે. રામમંદિરનું વેગ પકડી રહેલું કામકાજ અને વાતાવરણમાં ગૂંજતો જયઘોષ તરોતાજા છે એ પણ ભાજપ માટે સફળતાનો સિક્કો ગણાશે. આ બધું મળીને આગામી સમયમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં જનતાને લોકશાહી સત્તાતંત્રનો આગવો રસથાળ જમાડશે અને સત્તાના ફળ કોઇને કોઇ પક્ષને ચાખવા મળશે એ ઇતિશ્રી થશે. બરાબરને?
Last Updated : Jan 5, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details