- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી
- 5 વર્ષ દરમિયાન 6 મહિલાઓ બનશે મેયર
- મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન
અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરીએ થશે. હાલ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે. તેની સાથે રાજ્યના શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે કયા શહેરમાં મેયર પદ માટે અનામત અને મહિલા તેમજ કઈ જ્ઞાતિ અને જાતિના હશે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તે મુજબ જોઈએ તો છ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદે ત્રણ મહિલા હશે અને ત્યાર પછીના રોટેશન પ્રમાણે અઢી વર્ષ માટે ત્રણ મહિલા મેયર બનશે. એટલે કે છ મહાનગરપાલિકામાં આગામી પાંચ વર્ષ દરમિયાન કુલ છ મહિલાને મેયરપદની પ્રાપ્તિ થશે.
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાં 192 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાંથી 21 બેઠકો અનુસુચિત જાતિના ઉમેદવારો માટે અનામત રખાઈ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ શિડ્યુલ કાસ્ટ(SC)ના મેયર હશે અને ત્યાર પછીના અઢી વર્ષ મહિલા મેયર બનશે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર પદ જનરલ કેટેગરીની રહેવાની શકયતા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજથી 24 વર્ષ પહેલા એટલે કે 1997માં અનુસુચિત જાતિના મેયર લાલજીભાઈ પરમાર બન્યા હતા. હવે 24 વર્ષ પછી અમદાવાદમાં SC મેયર ઉમેદવાર બનશે. ભાજપમાંથી SCના 21 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, તેમાંથી મેયરની પસંદગી કરવાની આવશે. જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે જો ભાજપ જીતે તો ખોખરા વોર્ડના ચેતન મહેશભાઈ પરમાર અને વાસણા વોર્ડના હિમાંશું કે વાળાના નામ મેયરપદ માટે ચર્ચામાં છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેશભાઈ બારોટનું નામ ચર્ચામાં છે.
સુરત
એવી જ રીતે સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર આવશે, ત્યાર પછીના અઢી વર્ષ માટે જનરલ પુરુષ ઉમેદવાર હશે. સુત્રોના કહેવા પ્રમાણે જો ભાજપની જીત થાય તો દર્શિની કોઠિયાનું નામ પ્રથમ હરોળમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રુપાણી સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. પ્રદેશ સંગઠનમાં સારુ કામ કરી ચુક્યા છે અને સુરત મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી છે. દર્શિની કોઠિયા મેયર પદના મજબૂત દાવેદાર છે અને તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. મેયર પદ માટે બીજુ નામ હેમાલી બોઘાવાલાનું છે, જેઓ પ્રોપર સુરતી છે અને જીએસઆરટીસીમાં ડિરેક્ટર છે, તેમણે પણ સંગઠનમાં સારું કામ કર્યું છે.
વડોદરા