ગુજરાત

gujarat

ETV Bharat / city

Har Ghar Tiranga: ફલેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 શું છે, તમારા સવાલોના તમામ જવાબ... - ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ

ભારત દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. હાલ ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણવું જોઈએ કે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002(Flag Code of India 2002) શું છે, તેમાં રાષ્ટ્ર ધ્વજ ફરકવા અંગે શું નિર્દેશ(Directive on Hoisting of the National Flag) આપ્યો છે. આવો જાણીએ કેટલાક આપને તમામ મુંઝવતા સવાલના જવાબો...

Etv BharatHar Ghar Tiranga: ફલેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 શું છે, તમારા સવાલોના તમામ જવાબ...
Etv BharatHar Ghar Tiranga: ફલેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 શું છે, તમારા સવાલોના તમામ જવાબ...

By

Published : Aug 2, 2022, 9:55 PM IST

Updated : Aug 3, 2022, 9:15 AM IST

અમદાવાદ:અત્રે રાષ્ટ્ર ધ્વજ અંગે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 અંતગર્ત લોકોમાં પ્રવર્તી ગેરસમજને દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આપના મનમાં ઉદભવેલા સવાલોના જવાબો આપીશું. જે નીચે મુજબ છે.


પ્રશ્ન 1
શું રાષ્ટ્ર ધ્વજના ઉપયોગ, પ્રદર્શન (ડિસ્પ્લે) અને ફરકાવવા (હોસ્ટિંગ) અંગે સૂચનાઓનો કોઇપણ સર્વાંગી સમૂહ છે?
જવાબ:
હા, ‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002’ (ભારતની ધ્વજ સંહિતા 2002) અને રાષ્ટ્રીય સન્માનના અપમાનનું નિવારણ અધિનિયમ, 1971.

પ્રશ્ન 2
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા શું છે?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા (ભારતની ધ્વજ સંહિતા) રાષ્ટ્ર ધ્વજના પ્રદર્શન માટે ઘડવામાં આવેલા તમામ કાયદા, કન્વેન્શન, પ્રથાઓ અને સૂચનાઓને એકજૂથ કરે છે. તે ખાનગી, જાહેર અને સરકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજના પ્રદર્શનનું સંચાલન કરે છે. 26 જાન્યુઆરી 2002થી ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાનો અમલ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 3
રાષ્ટ્ર ધ્વજ બનાવવા માટે કઇ સામગ્રીનો ઉપયોગ કરી શકાય?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002માં તારીખ 30 ડિસેમ્બર 2021ના રોજ સુધારો કરવામાં આવ્યો છે અને પોલીસ્ટરમાંથી બનેલા અથવા મશીન દ્વારા બનેલા રાષ્ટ્ર ધ્વજને મંજૂરી આપવામાં આવી છે. હવે, હાથ વડે કાંતેલા અને હાથ વડે વણેલા અથવા મશીન બનાવટના, સુતરાઉ/ પોલીસ્ટર/ ઉન/ સિલ્ક/ ખાદીના કપડામાંથી રાષ્ટ્ર ધ્વજ બનાવી શકાશે.

પ્રશ્ન 4
રાષ્ટ્ર ધ્વજ બનાવવા માટે યોગ્ય કદ અને સપ્રમાણતા કેટલી છે?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 1.3 અને 1.4 અનુસાર, રાષ્ટ્ર ધ્વજ લંબચોરસ આકારમાં હોવો જોઇએ. ધ્વજ કોઇપણ કદનો બનાવી શકાય પરંતુ રાષ્ટ્ર ધ્વજની લંબાઇ અને ઊંચાઇ (પહોળાઇ)ની સપ્રમાણતા 3:2 હોવી જોઇએ.

આ પણ વાંચો:Har Ghar Tiranga Campaign: લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે

પ્રશ્ન 5
શું હું મારા ઘરે રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરી શકુ?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 2.2 અનુસાર, જાહેર, ખાનગી સંસ્થાના સભ્ય અથવા શૈક્ષણિક સંસ્થાના સભ્ય તમામ દિવસોએ અથવા પ્રસંગોપાત રાષ્ટ્ર ધ્વજની ગરિમા અને માનને જાળવીને ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે.

પ્રશ્ન 6
ખુલ્લામાં/ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટેનો સમય શું છે?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં 20 જુલાઇ 2022ના રોજ આપવામાં આવેલા આદેશાનુસાર સુધારો કરવામાં આવ્યો છે અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 2.2ના ભાગ- IIની જોગવાઇ (xi)ના બદલે નીચે ઉલ્લેખિત જોગવાઇને સામેલ કરવામાં આવી છે: (xi) “જ્યાં ખુલ્લામાં અથવા જાહેર વ્યક્તિના ઘર પર જ્યારે ધ્વજ પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, તે દિવસ અને રાત્રિ દરમિયાન ફરકાવી શકાય છે;”

પ્રશ્ન 7
ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવતી વખતે મારે કઇ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ?
જવાબ:જ્યારે પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે, તેનું સંપૂર્ણ માન જળવાવું જઇએ અને તેને વિશિષ્ટ રીતે રાખવામાં આવ્યો હોવો જોઇએ. તૂટેલો અથવા ફાટેલો રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવો જોઇએ નહીં.

પ્રશ્ન 8
રાષ્ટ્ર ધ્વજને ખોટી રીતે ફરકાવવાનું ટાળવા માટે મારે કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ?
જવાબ:
* રાષ્ટ્ર ધ્વજને ક્યારેય ઊંધો ફરકાવવો નહીં. એટલે કે, ધ્વજનો કેસરી રંગનો પટ્ટો ક્યારેય નીચે હોવો જોઇએ નહીં.
* તૂટેલા અથવા ફાટેલા રાષ્ટ્ર ધ્વજને ફરકાવવો, પ્રદર્શિત કરવો નહીં.
* રાષ્ટ્ર ધ્વજ કોઇપણ વ્યક્તિ અથવા વસ્તુની સલામીથી નીચે ના હોવો જોઇએ
* કોઇપણ અન્ય ધ્વજ કે ઝંડો રાષ્ટ્ર ધ્વજથી ઊંચો, તેનાથી ઉપર અથવા તેની બાજુમાં સમકક્ષ ઊંચાઇએ રાખેલો ના હોવો જોઇએ; ફુલો અથવા ફુલોના હાર સહિત કોઇપણ વસ્તુ અથવા પ્રતીક જે ધ્વજદંડ પર રાષ્ટ્ર ધ્વજ ફરકતો હોય તેની ઉપર અથવા તેનાથી વધુ ઊંચાઇએ રાખવા નહીં
* રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ તોરણ, ડિઝાઇનમાં ગોઠવણી, વાવટા લહેરાવવા અથવા અન્ય કોઇપણ પ્રકારે સુશોભનના ઉદ્દેશથી કરવો નહીં.
* રાષ્ટ્ર ધ્વજ જમીન અથવા ભોંયતળિયાને સ્પર્શવો જોઇએ નહીં અથવા પાણીમાં તરતો મૂકવો નહીં
* રાષ્ટ્ર ધ્વજને એવી કોઇપણ રીતે પ્રદર્શિત કરી શકાય નહીં અથવા બાંધી શકાય નહીં કે જેનાથી તે ફાટી જવાની, તેને ક્ષતિ થવાની શક્યતા હોય
* રાષ્ટ્ર ધ્વજને સિંગલ માસ્ટહેડ (ધ્વજાદંડનો ટોચનો હિસ્સો) દ્વારા કોઇપણ અન્ય ઝંડા અથવા ઝંડાઓની જોડે એકસાથે ફરકાવી શકાય નહીં.
* રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ વક્તાના ડેસ્કને ઢાંકવા માટે થવો જોઇએ નહીં તેમજ તેને વક્તાના પ્લેટફોર્મ પર પાથરેલો કે વીંટાળેલો રાખવો નહીં
* વસ્ત્ર પરિધાનના હિસ્સા તરીકે અથવા ગણવેશના હિસ્સા તરીકે અથવા એવી કોઇપણ ઍક્સેસરી કે જે કોઇપણ વ્યક્તિ દ્વારા કમરથી નીચેના હિસ્સામાં પહેરવામાં આવતી હોય તેના હિસ્સા તરીકે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવો નહીં, તેમજ ઓશિકાં, હાથરૂમાલ, નેપકિન, આંતરવસ્ત્રો અને અન્ય કોઇપણ ડ્રેસ મટિરિયલ પર તેનું ભરતકામ અથવા છાપ કરેલી હોવી જોઇએ નહીં.

આ પણ વાંચો:Har Ghar Tiranga Campaign: ભારતીય ત્રિરંગાએ 6 વખત તેનો રંગ બદલ્યો

પ્રશ્ન 9
ભારતના રાષ્ટ્ર ધ્વજનું અપમાન નિવારવા માટે કોઇ નિયમો છે?
જવાબ:
હા, “રાષ્ટ્ર ધ્વજના સન્માન માટે અપમાન નિવારણ અધિનિયમ, 1971”ની કલમ 2ના વિવરણ 4 અનુસાર, નીચેની બાબતોનું ધ્યાન રાખવું:
• રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ ખાનગી અંત્યેષ્ઠિ સહિત કોઇપણ સ્વરૂપમાં ભલે ગમે તે હોય, પડદા કે ઢાંકવાના હેતુથી કરવો નહીં
• વસ્ત્ર પરિધાનના હિસ્સા તરીકે અથવા ગણવેશના હિસ્સા તરીકે અથવા એવી કોઇપણ ઍક્સેસરી કે જે કોઇપણ વ્યક્તિ દ્વારા કમરથી નીચેના હિસ્સામાં પહેરવામાં આવતી હોય તેના હિસ્સા તરીકે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવો નહીં, તેમજ ઓશિકાં, હાથરૂમાલ, નેપકિન, આંતરવસ્ત્રો અને અન્ય કોઇપણ ડ્રેસ મટિરિયલ પર તેનું ભરતકામ અથવા છાપ કરેલી હોવી જોઇએ નહીં
• રાષ્ટ્ર ધ્વજ પર કોઇપણ પ્રકારનું લખાણ હોવું જોઇએ નહીં
• કોઇપણ વસ્તુ પર વીંટાળવા, તેમાં કોઇ વસ્તુ પ્રાપ્ત કરવા અથવા પહોંચાડવા માટે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવો નહીં
• કોઇપણ વાહનની બાજુ, પાછળનો હિસ્સો અથવા આગળનો હિસ્સો ઢાંકવા માટે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવો નહીં

પ્રશ્ન 10
જાહેરમાં/સાર્વજનિક ઇમારતો પર રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવા માટેની સાચી રીત કઇ છે?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની કલમ III ના ભાગ III અનુસાર, જો રાષ્ટ્ર ધ્વજને સાર્વજનિક ઇમારત પર ફરકાવવામાં આવે તો, હવામાનની કોઇપણ સ્થિતિ હોય તો પણ, તેને તમામ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો. તેને ઝડપથી ખેંચીને ફરકાવવો અને ધીમે ધીમે નીચે લાવવો નહીં.
• જ્યારે રાષ્ટ્ર ધ્વજને દિવાલ પર સપાટ અને આડો પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, કેસરી પટ્ટો સૌથી ઉપર રહેવો જોઇએ જ્યારે ઉર્ધ્વ સ્થિતિમાં પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, કેસરી પટ્ટો રાષ્ટ્ર ધ્વજના સંદર્ભમાં જમણી તરફ રહેવો જોઇએ એટલે કે, વ્યક્તિ તરફથી જોવામાં આવે તો ડાબી બાજુએ હોવો જોઇએ.
• જ્યારે રાષ્ટ્ર ધ્વજને ધ્વજ ફરકાવવાના દંડ દ્વારા આડો લહેરાવવામાં આવે અથવા બારી, ઝરુખા અથવા ઇમારતના આગળના ભાગે કોઇ ચોક્કસ ખૂણા પર લગાવવામાં આવે ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ધ્વજ ફરકાવવાના દંડના દૂરના છેડાએ હોવો જોઇએ.

પ્રશ્ન 11
શું રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ (અડધા ધ્વજદંડ પર) ફરકાવવો જોઇએ?
જવાબ:
ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા પ્રસંગો સિવાય રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ (અડધા ધ્વજદંડ પર) ફરકાવવો નહીં. જ્યારે અડધી કાઠીએ (અડધા ધ્વજદંડ પર) રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે ત્યારે, પહેલા તેને ધ્વજદંડની ટોચે/સૌથી ઉપર ફરકાવવો અને ત્યાર પછી, તેને અડધા ધ્વજદંડ પર લાવવો. દિવસના અંતે રાષ્ટ્ર ધ્વજને નીચે ઉતારતા પહેલાં, તેને ફરીથી ટોચ પર ફરકાવવો જોઇએ.

પ્રશ્ન 12
હું મારી કાર પર રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરી શકુ?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002ના પરિચ્છેદ 3.44 માં જણાવ્યા અનુસાર, માત્ર નીચે ઉલ્લેખિત વ્યક્તિઓની મોટર કાર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.
• રાષ્ટ્રપતિ
• ઉપરાષ્ટ્રપતિ
• રાજ્યપાલ અને નાયબ રાજ્યપાલ
• ભારતીય મિશન/પોસ્ટના વડા
• પ્રધાનમંત્રી
• કેબિનેટના મંત્રીઓ, રાજ્યના મંત્રી, કેન્દ્રના નાયબ મંત્રીઓ
• રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને કેબિનેટના મંત્રીઓ
• લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્યોમાં વિધાન પરિષદના અધ્યક્ષ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યોમાં વિધાન પરિષદના નાયબ અધ્યક્ષ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાઓના ઉપાધ્યક્ષ
• ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
• સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ
• ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ
• ઉચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિઓ

પ્રશ્ન 13
અન્ય રાષ્ટ્રોના ધ્વજ સાથે આપણે ભારતનો રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે પ્રદર્શિત કરી શકીએ?
જવાબ:
* ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 3.32 અનુસાર, જ્યારે અન્ય રાષ્ટ્રોના ધ્વજ સાથે સીધી રેખામાં ભારતના રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે ત્યારે, રાષ્ટ્ર ધ્વજ તદ્દન જમણી તરફના છેડે હોવો જોઇએ. અન્ય રાષ્ટ્રના ધ્વજો જે તે દેશના અંગ્રેજી નામના મૂળાક્ષરોના ક્રમાનુસાર વારાફરતી પ્રદર્શિત કરવાના રહેશે.
* જો ધ્વજોને બંધ વર્તુળની રચનામાં ફરકાવેલા હોય તો, રાષ્ટ્ર ધ્વજ સૌથી પહેલા ફરકાવવાનો રહેશે અને ત્યાર પછી બાકીના રાષ્ટ્રોના ધ્વજ ઘડિયાળના કાંટાની દિશામાં ફરકાવવાના રહેશે.
* જ્યારે ધ્વજને દિવાલ સામે અન્ય ધ્વજ સાથે ત્રાંસા રાખેલા ધ્વજદંડમાં પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, રાષ્ટ્ર ધ્વજને જમણી બાજુએ રાખવો અને તેનો ધ્વજદંડ અન્ય ધ્વજના ધ્વજદંડની આગળના ભાગે રાખવો.
* જ્યારે અન્ય રાષ્ટ્રોના ધ્વજ સાથે રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે ત્યારે, ધ્વજના દંડ સમાન કદના હોવા જોઇએ.

પ્રશ્ન 14
કેવી રીતે રાષ્ટ્ર ધ્વજનો નિકાલ કરવો જોઇએ?
જવાબ:
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 2.2 અનુસાર, જો રાષ્ટ્ર ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય તો, તેનો સંપૂર્ણ ખાનગી રીતે નિકાલ કરવો જોઇએ અને રાષ્ટ્ર ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને તેને સળગાવી દેવો જોઇએ અથવા અન્ય પ્રકારે નિકાલ કરવો જોઇએ.
* જો રાષ્ટ્ર ધ્વજ કાગળમાંથી બનેલો હોય અને સામાન્ય જનતા દ્વારા તેને ફરકાવવામાં આવતો હોય તો, આવા ધ્વજને જમીન પર ફેંકીને તેનો નિકાલ કરવો નહીં. આવા ધ્વજને ખાનગીમાં, રાષ્ટ્ર ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને નિકાલ કરવો જોઇએ.

Last Updated : Aug 3, 2022, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details