અમદાવાદઃ આગામી પાંચ ઓગસ્ટે થનાર રામ જન્મભૂમિ પર ભૂમિપૂજનને લઇ વિશ્વ હિન્દુ પરિષદ સહિત દરેક હિન્દુ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇ ભારતભરમાંથી વિશિષ્ટ નદીઓના જળ અને માટી ભૂમિપૂજનમાં મોકલવામાં આવી રહી છે. જેને લઇ અમદાવાદ સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ગુજરાત રાજ્યમાંથી પવિત્ર નદીઓના જળ અને માટી ભરીને અયોધ્યા મોકલવામાં આવી છે.
રામ જન્મભૂમિના ભૂમિપૂજનમાં ગુજરાત રાજ્યમાંથી VHPએ મોકલ્યાં પવિત્ર જળ અને માટી
પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર થનાર ભૂમિપૂજનને લઇ તમામ હિન્દુ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાત રાજ્યમાંથી પવિત્ર જળ અને માટી એકઠી કરીને અયોધ્યા મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ મંદિર આંદોલન માટે વિશ્વ હિન્દુ પરિષદનો સિંહફાળો રહ્યો છે. આ મુ્દ્દાને ઘરઘર સુધી પહોંચાડી જુવાળ બનાવનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ માટે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર બનાવવાના પરિશ્રમમાં પહેલેથી જ ઇંટો વગેરે મોકલવાનો સફળ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમ જ દાયકાઓ જૂના કાયદાકીય સંઘર્ષ દરમિયાન પણ મહત્ત્વનું પ્રદાન વિશ્વ દિન્દુ પરિષદનું રહ્યું છે. તેમાં પણ ગુજરાત પ્રખંડે તેમાં સક્રિય ભૂમિકા ભજવી છે. અનેક સારાનરસા પરિણામો ભોગવવા સાથે આ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા રામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસ અને મંદિરનું બનવું લગભગ જીવન સ્વપ્ન સમાન બની રહ્યું છે ત્યારે છેવટે આ અવસર આંગણે આવતાં વીએચપી દ્વારા પોતાનું વધુ એક મહત્ત્વનું યોગદાન અર્પણ કરવા માટે ગુજરાતના 912 સ્થળોએથી પવિત્ર જળ અને માટી એકત્ર કરવામાં આવ્યાં છે. આ એકત્ર કરાયેલાં જળ અને માટીને અયોધ્યામાં ભૂમિપૂજન પ્રસંગે મોકલવામાં આવી રહ્યાં છે.