- અમદાવાદમાં મળશે કાઠિયાવાડી કાવો
- આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે કાવો
- શિયાળા અને કોરોનાના સમય માટે લાભદાયક છે કાવો
- વડીલો, યુવાનો અને બાળકોમાં પણ થઈ રહ્યો છે પ્રચલિત
અમદાવાદઃ શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા માટે કાવો અક્સીર ગણવામાં આવે છે. આ કાવામાં 20 જેટલા આયુર્વેદીક મસાલા જેમાં બુંદદાણા, આદુરસ, સંચર, સુંઠ પાવડર વગેરેથી ઉકાળીને તેને લીંબુ મસાલા સાથે ગરમા-ગરમ પીવડાવવામાં આવે છે.
યુવાન દ્વારા બનાવવામાં આવ્યો છે આ કાઠિયાવાડી કાવો
અમદાવાદમાં આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરતા એક યુવાન હેત માંકડ દ્વારા કાઠિયાવાડી કાવો બનાવીને તેને વેચવાનું શરૂ કર્યું છે. શિયાળામાં અને હાલ કોરોનાના સમયમાં આ પ્રકારનો આયુર્વેદિક કાવો શરીરને સુરક્ષિત અને સ્ફૂર્તિદાયક બનાવે છે. હેત માંકડ હજી 11 માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે ભવિષ્યમાં શેફ બનવાની ઈચ્છા ધરાવે છે અને આ કાવો પણ તેમણે તેમના પિતાજીના સાથ સહકારથી જાતે જ બનાવ્યો છે અને લોકો તેમના ચાહકો બની રહ્યા છે.
કાઠિયાવાડી કાવો આકર્ષણનું કેન્દ્ર
હેત માંકડે ETV BHARAT સાથે વાત ચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં અત્યારે તેમનો આ કાઠિયાવાડી કાવો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અને વડીલો, બાળકો સાથે યુવાનો પણ આ કાવો પીએ છે અને સુરક્ષિત રહે છે. આ કાવામાં અનેક આયુર્વેદિક ઓષધિઓનો ઉપયોગ થયો છે, જે શરીર માટે ખૂબ ઉપયોગી બની રહે છે.
અમદાવાદના યુવાને બનાવ્યો આત્મનિર્ભર કાઠિયાવાડી કાવો