અમદાવાદઃ કચ્છના પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યાકાંડ કેસમાં આરોપી ભાજપના નેતા છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે 50,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર આરોપી સિદ્ધાર્થ પટેલના જામીન મંજૂર કર્યા છે.
કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ જામીન મુક્ત કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સરકારી વકીલ તેની સામે નોંધાયેલા ગુના પુરવાર કરી શક્યા નથી. આ સાથે જ અરજદાર-આરોપી ગત 18 મહિનાથી જેલમાં છે અને ક્યાંય ભાગશે નહીં તેવી રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં મદદગારીના ભાગરૂપે સંકળાયેલા અન્ય 2 આરોપી રાહુલ પટેલ અને નીતિન પટેલના જામીન પણ હાઈકોર્ટે મંજૂર કર્યા હતા.
આ અગાઉ ભચાઉ શેસન્સ કોર્ટે ભાજપના નેતા છબીલ પટેલના જામીન ફગાવતા જામીન મેળવવા આ કેસના મુખ્ય આરોપી છબીલ પટેલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.