અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગના ડેપ્યૂટી સેક્રેટરી રોનક મહેતા દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામા પ્રમાણે 24 મેના રોજ જે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે તેનું અરજદાર દ્વારા યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. 26 જૂનથી ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષાઓ યોજવામાં આવશે આ વાત યોગ્ય નથી. સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ૨૬મી જૂનથી કેટલીક કોર્સની પરીક્ષાના શેડ્યૂલ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આ પરીક્ષાના શેડ્યૂલ તૈયાર કરવામાં આવે તો તેમાં કેન્દ્ર અને ગુજરાત સરકારની કોરોનાને લગતી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જોકે રાજ્ય સરકારએ ગ્રાઉન્ડ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ પરીક્ષા યોજવાની યુનિવર્સિટીને છૂટ આપી છે.
સરકારે કહ્યું : પરીક્ષા યોજવાનો ઠરાવ વિદ્યાર્થીઓના જીવનને ફરીવાર પાટા પર લાવવાનો પ્રયાસ છે
કોરોના મહામારી દરમિયાન કોલેજોમાં ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષા યોજવાના મુદ્દે સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં શિક્ષણ વિભાગે જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે પરીક્ષા યોજવા અને એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાનો ઠરાવ, વિદ્યાર્થીઓના જીવનને ફરીવાર પાટા પર લાવવાનો પ્રયાસ છે. જોકે હાલ કોઈ શાળા કે કોલેજ શરૂ કરવામાં આવશે નહી.
સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાને જુલાઈ મહિના સુધી પાછળ કરવામાં આવી છે. સત્તાધીશોએ જણાવ્યું હતું કે ઠરાવ એટલા માટે પસાર કરવામાં આવ્યો કારણ કે વિદ્યાર્થીઓ દેશવિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ શકે. ૩જી જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય રાજ્યોથી અભ્યાસ માટે ગુજરાત આવનાર વિદ્યાર્થી કે જે લૉકડાઉનને લીધે તેમના વતન પરત ફર્યા છે તેમના માટે ઓનલાઈન પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે અને જે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રહે છે તેમના માટે ઘરઆંગણે પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા કરાશે. આ મામલે વધુ સુનાવણી 6 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.