અમદાવાદઃ આવનાર નજીકના સમયમાં હિન્દુ ધર્મમાં ધાર્મિક વ્રતો અને તહેવારો પણ આવી રહ્યાં છે. તેમાં દેવસ્થાનોમાં જઈને પૂજા કર્યા વગર, તમામ વ્રતો અને તહેવારો અધૂરાં છે. ત્યારે તે પહેલાં જ મંદિર ભક્તો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે. તેને લઈને ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. જો કે કોરોનાવાયરસને લઇને સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ ભક્તોએ હવે તકેદારીના પગલાં લઈને ઈશ્વરના દર્શન કરવાના રહેશે.જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું અને સેનિટાઈઝર કે સાબુ વડે હાથ સાફ કરવા ફરજિયાત છે.
સમગ્ર ગુજરાતમાં આજથી મંદિરો ખુલ્યાં,ભક્તોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી
કોરોના વાયરસના કારણે અપાયેલા બે મહિનાના લોકડાઉન બાદ,સંપૂર્ણ ભારતને અનલોક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમાં પણ 8 જૂનથી ગુજરાત સરકાર દ્વારા મંદિરો સહિતનાં ધાર્મિક સંસ્થાનો ખોલવાની મંજૂરી અપાઇ છે,એટલે કે લગભગ અઢી મહિના બાદ દેવસ્થાનો ભક્તો માટે ખુલ્યાં છે.
મોટાભાગના મંદિરો દ્વારા પણ મંદિરના પ્રવેશદ્વાર આગળ જ દરેક ભક્તોને સેનિટાઈઝર વડે હાથ સાફ કરાવવામાં આવે છે. તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને દરેક વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય, તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા જાહેર કરેલ તમામ ગાઈડલાઈનનું પાલન કરવાની ફરજ ફક્ત મંદિરોની જ નહીં,પરંતુ ભક્તોની પણ છે.વૃદ્ધો અને બાળકોએ અત્યારે ધાર્મિક સંસ્થાનો કે અન્ય જાહેર જગ્યાઓમાં જવાનુ ટાળવું જોઈએ. તેમ જ કોરોનાવાયરસના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.