અમદાવાદઃ ભારત ખેતીપ્રધાન દેશ છે, પરંતુ આમ છતાં આજના આધુનિક સમયમાં માનવીની આકાંક્ષાઓ અને જરૂરિયાતો વધવાથી ખેતીની જમીનમાં ઘટાડો થયો છે. આવા સમયે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉદ્યોગના ભાગરૂપે કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનો પ્રયોગ કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ વેસ્ટ કચરામાંથી ખાતર બનાવી શાકભાજીનું ઉપાદન કરી રહ્યા છે. આ ખેતી અંદાજે ગત 10 વર્ષથી કરવામાં આવે છે.
2 વર્ષ અગાઉ ગૂજરાત વિદ્યાપીઠમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે સમગ્ર દેશના 15,000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ ખેડૂતોને પણ ધાબા ખેતી અંગેની તાલિમ આપવામાં આવી હતી.
વિદ્યાપીઠમાં થતી ધાબા ખેતીમાટે ઓર્ગેનિક ખાતર પણ કેમ્પસની અંદર જ તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે દુધી, મરચા, પાલક, ગલકા, તુરિયા, મેથી, દાણા, રીંગણ, તાંદળજો અને કારેલા જેવા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે અને આ શાકભાજીનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરવામાં જ થાય છે.