ગુજરાત

gujarat

ETV Bharat / city

મૂર્તિકારોના ચહેરાનો રંગ ઝાંખો પડ્યો, કોરોના કહેરને લીધે કારીગરોની સ્થિતિ દયનીય - મૂર્તિબજારમાં મંદીનો માહોલ

ભારતમાં કલાકારોને વિશેષ પ્રકારનું માન-સન્માન મળે છે. જુદી-જુદી કલાઓ જેવી કે ગાયન, વાદન અને મૂર્તિકલા વગેરેમાં નિપૂણ કલાકારનો રુતબા અલગ જ હોય છે. પરંતું મૂર્તિકારોનો વૈભવ હવે પ્રાચીન સમય જેવો રહ્યો નથી. તેમની ગણના એક ગરીબ મજૂર વર્ગ તરીકે જ થાય છે. વળી કોરોનાના કપરા કાળમાં તે લોકોના હાલત ‘પડ્યા પર પાટું’ જેવી થઈ છે.

ahmedabad news
ahmedabad news

By

Published : Jul 5, 2020, 7:13 PM IST

અમદાવાદઃ હિન્દુ ધર્મના અનેક તહેવારો આવી રહ્યા છે. જેમાં પણ ગણપતિ ઉત્સવ નજીકના સમયમાં જ આવી રહ્યો છે. ત્યારે લોકો ઈશ્વરની મૂર્તિઓ લાવે છે અને તેમની પૂજા-અર્ચના કરે છે. જેમ કે દશામાનું વ્રત હોય કે પછી જન્માષ્ટમી હોય. તેવા સમયે આ મૂર્તિઓની વિશેષ માંગ રહે છે. નાની મૂર્તિની સરખામણીમાં મોટી મૂર્તિઓ બનાવતા એક કલાકારને એક મહિના જેટલો સમય વીતી જાય છે.

કારીગરોની હાલત કફોડી બની

લગભગ આજથી દોઢ મહિના બાદ ગણેશ ચોથ છે. દસ દિવસ માટે લોકો ભગવાન ગણેશની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરે છે. ગણેશજીની મૂર્તિની સેવા, અર્ચના અને ભક્તિ કરે છે. અંતમાં આ મૂર્તિઓનું જળાશયમાં કે કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કારણે અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો ઉપરાંત અનેક ગણેશ મંડળોએ સાર્વજનિક ગણેશોત્સવ નહીં ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને મૂર્તિઓની માંગ પણ ઓછી છે. ત્યારે આ મૂર્તિઓમાં પ્રાણ ફૂંકનાર કારીગરોની હાલત કફોડી બની છે.

કોરોના મહામારીમાં ગુલબાઈ ટેકરાના મૂર્તિ બજારની રોનક ઝાંખી પડી

અમદાવાદના પ્રખ્યાત ગુલબાઈ ટેકરાના મૂર્તિકારો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. તેઓ વ્યાજે પૈસા લાવે છે અથવા તો પોતાના ઘરના ઘરેણાં ગિરવે મૂકીને પૈસા લાવીને મૂર્તિઓ બનાવી રહ્યા છે. કારણ કે, કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન બાદ આ મૂર્તિકારો પાસે જરૂરી પ્રમાણમાં મટીરિયલ્સ નથી, પૈસા નથી અને માર્કેટમાં પણ મંદીનો માહોલ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોને આ વ્યવસાયમાંથી વર્ષભરની રોજગારી મળી રહે છે. જે-તે તહેવારોના 6 મહિના પહેલા જ મૂર્તિકારો આ મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે.

મૂર્તિ બજારની રોનક ઝાંખી પડી

પીઓપીની મૂર્તિઓ પર આ વર્ષે પ્રતિબંધ નથી. તેમ છતાં સ્થાનિક સરકાર દ્વારા તેમને પીઓપીની મૂર્તિઓ ન બનાવવા માટેનું કહેવામાં આવે છે અને જો તેઓ મૂર્તિ બનાવે તો તેની તોડફોડ કરવામાં આવે છે. માટીની મૂર્તિને ઉત્તેજન આપવું સારી વાત છે. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે મૂર્તિકારોએ જે બીબા બનાવ્યા છે તેનું શું ? સરકાર આ કારીગરોને રોજગારી આપવા અનેક યોજના બનાવે છે. પરંતુ તેનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચતો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોને મૂર્તિઓ બનાવવા અને વેચવા માટે ભાડાપેઠે જમીન આપવામાં આવી હતી. તેનું ભાડું પણ મૂર્તિકરોએ ચૂકવ્યું છે. પરંતુ આ વર્ષે મૂર્તિકારો ગીચ અને બિનઆરોગ્યપ્રદ જગ્યાઓમાં નાની મૂર્તિઓ બનાવી રહ્યા છે. તો સરકાર દ્વારા પણ હજુ સુધી મૂર્તિઓ બનાવવા કે વેચવા માટે પણ કલાકારોને કોઈ મદદ માટે હાથ લંબાવવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details