અમદાવાદઃ શિવાનીબહેન છેલ્લા ૩ મહિનાથી સિવિલ હોસ્પિટલના ડી-૯ આઈસોલેશન વોર્ડમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યાં છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં તેઓ કોરોના પોઝિટિવ થયાં હતાં. આ ઉપરાંત તેઓ ડેડિકેટેડ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખાતે પણ ફરજ બજાવતાં હતાં. શિવાનીબહેનની સાથે તેમના પતિ પણ કોરોના પોઝેટિવ થયાં હતાં.
કોરોના વૉરિયરને સલામઃ 8 દિવસમાં માત આપી ફરીથી કોરોના વૉર્ડમાં સેવા આપવા આવ્યાં શિવાની પરમાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારા માટે ભગવાનનું મંદિર છે, આ મંદિરમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ મારા આરાધ્યદેવ છે. આ શબ્દો છે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ શિવાનીબહેન પરમારના. શિવાનીબહેન કોરોના વોર્ડમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.
તા. ૨૧ એપ્રિલના દિવસે કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતાં શિવાનીબહેન ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયાં હતાં. શિવાનીબહેન જણાવે છે કે, સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ, પેરામેડિકલ અને અન્ય કર્મીઓએ મારી ખૂબ જ સારી સાર-સંભાળ રાખી હતી. તા. ૨૭ અને ૨૮ એપ્રિલ એમ બંન્ને દિવસ સતત બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં હતાં. ૧૪ દિવસ કોરન્ટાઈન થયાં પછી તેઓ પુનઃ ફરજ પર હાજર થઈને કોવિડ અને નોન-કોવિડ બંન્ને હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે.
આમ માત્ર 8 દિવસમાં કોરોનાને હરાવીને ઘરે પરત ફરેલાં સ્ટાફ નર્સ શિવાનીબહેન જણાવે છે કે, કોરોનાને હરાવવા માટે આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. કોરોનાને પરાસ્ત કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે. આપણે સૌએ કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હૂંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ આપણે ચોક્કસથી જીતી જઈશું.