- ભારત એશિયાનો સૌથી ભ્રષ્ટ દેશઃ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ
- સેમ્પલના 39 ટકા લોકોએ ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્વીકાર્યું
- સંપૂર્ણ દેશમાંથી ફક્ત 20,000 લોકોના સેમ્પલ લેવાયા
- ભારત સરકારે ડિજિટલાઇઝેશન દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા પ્રયત્ન કર્યો
અમદાવાદઃટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ નામની સંસ્થાએ થોડા દિવસ અગાઉ દુનિયાના ભ્રષ્ટ દેશોની યાદી બહાર પાડી હતી.ઇટીવી ભારતે ગુજરાતના નાગરિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું તેઓ આ સંસ્થાના સર્વેક્ષણ સાથે સંમત છે કે કેમ ? કેટલાક લોકોએ સ્વીકાર્યું હતું કે ભારતમાં ભ્રષ્ટાચાર થાય છે. પરંતુ તેનો મતલબ એમ નથી કે ભારત કેટલાક એશિયાનો સૌથી ભ્રષ્ટ દેશ હોય. કારણ કે કેટલાક દેશોની તો પરિસ્થિતિ ભારતની સ્થિરતાની આસપાસ પણ નથી. બીજી તરફ સરકાર પણ ડીજીટલાઇઝેશન લાવીને ભ્રષ્ટાચાર દૂર કરવા પ્રયત્નશીલ છે. ત્યારે ભારતનો ક્રમ ઉપર આવવો જોઈએ તેની જગ્યાએ નીચે રહ્યો છે, તે આશ્ચર્યજનક છે.
પોલીસ ખાતું સૌથી વધુ ભ્રષ્ટ, જો કે પ્રજાજનોની નીતિમત્તા પર પણ પ્રશ્ન
કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી ભ્રષ્ટ ખાતાઓમાં રેવન્યુ ખાતું, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ખાતાનો સમાવેશ થાય છે. પરંતુ તેના આધારે ભારતને સૌથી ભ્રષ્ટ કહેવો યોગ્ય નથી. બીજી તરફ કેટલાક લોકો એમ પણ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારનો આધાર ફક્ત સરકાર ઉપર નથી, પ્રજાજનોની નીતિમત્તા પણ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી છે. કારણ કે સરકાર અને વહીવટી ખાતામાં આપણા વચ્ચેથી જ લોકો આવે છે. વળી પ્રજાને પણ પોતાના નાના-મોટા કાર્યો પૈસા આપીને કરાવવાની આદત પડી ગઈ છે.