અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં જનસભાને સંબોધ્યા પછી હવે એ. એમ. નાયક હેલ્થકેર કોમ્પ્લેકેસ્ પહોંચ્યા છે. અહીં તેમણે નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ હેલ્થકેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થયું સારું કામ: PM - વડાપ્રધાને ઉમેર્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રએ નવા મૂકામ હાંસલ કર્યા છે. આ 20 વર્ષમાં ગુજરાતમાં શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય આંતરમાળખા માટે દરેક સ્તર પર કામ થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં હજારો હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં 600 દિનદયાળ ઔષધાલય શરૂ થયા છે. ગુજરાતમાં આજે સરકારી હોસ્પિટલમાં કેન્સર જેવી બીમારીની એડવાન્સ ટ્રિટમેન્ટની પણ સુવિધા છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની ક્ષમતા 450થી વધારીને 1,000 થઈ ગઈ છે. અમદાવાદ સિવાય જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરા આવા અનેક શહેરોમાં કેન્સરની સારવારની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદમાં કિડની ઈન્સ્ટિટ્યૂટને વધુ આધુનિક બનાવવામાં આવી રહી છે. તેનો વિસ્તાર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેની બેડની સંખ્યા ડબલ થઈ જશે.
આરોગ્ય પર અમે ભાર મૂક્યોઃ PM - છેલ્લા 8 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રને સારું બનાવવા માટે અમે હોલિસ્ટિક એપ્રોચ પર ભાર મૂક્યો છે. અમે સારવારની સુવિધાને આધુનિક બનાવવાનો પ્રયાસ તો કર્યો છે. સારું પોષણ, સ્વચ્છ જીવનશૈલી એક પ્રકારે પ્રિવેન્ટિવ હેલ્થ સાથે જોડાયેલા બિહેવિયલ વિષય પર કે જે સરકારના પ્રાથમિક જવાબદારી હોય છે. તેની પર અમે ભાર આપ્યો છે. અમારો પ્રયાસ એ જ છે કે, ગરીબ, મધ્યમ વર્ગના લોકોને બીમારીથી બચાવી શકાય તેમ જ સારવાર પર થનારો ખર્ચ ઓછામાં ઓછો થાય. ખાસ કરીને બાળકો અને માતાઓના સારા આરોગ્ય માટે જે પ્રયાસ થયા છે. તેના સ્પષ્ટ પરિણામ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં પણ આરોગ્ય આંતરમાળખું સારું થયું છે.