કોરોના મહામારી વચ્ચે માટી લાવી ગણપતિ બનાવી ઘરમાં જ વિસર્જન કરવાનો લોકોનો આગ્રહ
આ વર્ષે વિઘ્નહર્તાના તહેવારમાં કોરોના વિઘ્ન બન્યો છે. ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. બાપાના આગમનથી લઈને બાપાની વિદાય સુધી બાપાનો જલસો જોવાલાયક હોય છે. લોકો તેની પાછળ અઢળક પૈસો ખર્ચ કરતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના રોગચાળો ગણેશ ઉત્સવમાં વિઘ્નરુપ બન્યો છે. જેના પગલે હવે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ આગળ વધ્યાં છે અને લોકો માટી લાવી ઘરમાં જ ગણપતિ બનાવી રહ્યાં છે.
અમદાવાદ:જોકે ગણપતિ વિઘ્નહર્તા છે માટે લોકોએ એવું માની રહ્યાં છે કે જ્યારે બાપાની વિદાય થાય ત્યારે તેની સાથે કોરોના મહામારીની પણ વિદાય થાય અને હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ સામાન્ય બની જાય. આ વિશે વધારે વાત કરતાં શિલ્પા ચોકસી જણાવે છે કે, "હું છેલ્લાં દસ વર્ષથી માટીના ગણપતિની જ સ્થાપના કરું છું અને તેનું વિસર્જન પણ ઘરમાં જ કરું છું અને આ વર્ષે પ્રથમવાર મેં જાતે જ ગણપતિ બનાવ્યાં છે અને તેનો આનંદ ખૂબ જ અનેરો છે. એક બાજુ ગણપતિજીના ગીતો વાગતા હોય અને બીજી તરફ મૂર્તિ બનાવવાનું કામ ચાલતું હોય તે આ વખતનો આનંદ જ અનેરો છે અને કદાચ શબ્દમાં પણ ના સમાય તેવા પ્રકારની આ એક લાગણી છે. ગત વર્ષે ગણપતિજીની વિદાય મેં ઘરના જ પ્રાંગણમાં કરી હતી, અને તેમાં મેરિગોલ્ડના બીજ નાખ્યાં હતાં અને આજે એ પ્રાંગણ મેરીગોલ્ડથી ખીલી ઉઠ્યું છે. એટલે જ્યારે માટીના ગણપતિ બનાવીએ ત્યારે સાથે પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે અને જ્યારે આપણે પોતે જ ગણપતિ બનાવીએ છે ત્યારે આનંદની અનુભૂતિ અલગ જ છે. "