આજના સમયમાં બાળકો શાળાએ જતા હોય છે, પરંતુ તેની સાથે ટ્યુશન પણ બાળકો માટે જરૂરી થઈ ગયું છે. શાળાની ફી ઉપરાંત ટ્યુશનની ફી ભરવી દરેક બાળકના માતા-પિતા માટે શક્ય નથી હોતું. ત્યારે ગરીબ બાળકો પણ શાળા સિવાય વિના મૂલ્યે ભણી શકે તે માટે અમદાવાદની કિંજલ નામની યુવતી દ્વારા 'શ્વાસ' નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી, જેમાં બાળકોને ટ્યુશન આપવામાં આવે છે.
કિંજલ જ્યારે કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી, ત્યારથી તેણે ગરીબ બાળકો માટે વિના મૂલ્યે ટ્યુશન શરૂ કર્યા હતા. જ્યારે કિંજલે શરૂઆત કરી ત્યારે માત્ર 25 બાળકો ભણાવવાની શરૂઆત કરી હતી. ત્યારે આજે 10 વર્ષે 600 બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આજે અમદાવાદમાં આ સંસ્થા દ્વારા કુલ 8 અલગ અલગ બ્રાન્ચ ખોલી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શહેરમાં ગુલબાઈ ટેકરા, શાહીબાગ, થલતેજ, એચ.એલ. કોલેજ, રામદેવ નગર, મેમનગર અલગ અલગ કેન્દ્ર બનાવીને કુલ 600 બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે.