શંકરસિંહ વાઘેલાનો PM મોદી પર અતિ ગંભીર આરોપ, જુઓ શું બોલ્યા શંકરસિંહ!
ગુજરાતની રાજનીતિમાં હંમેશા પોતાના નિવેદનોથી વિવાદમાં રહેનારા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને NCPના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર ગુજરાત સ્થાપના દિને આકરા પ્રહારો કર્યા હતા. તેમજ વડાપ્રધાનને આડકતરી રીતે વિકૃત માનસિકતાવાળા પણ ગણાવ્યા હતા.
શંકરસિંહ વાધેલાના ભાજપ પર પ્રહાર અમદાવાદ ખાતે NCPના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન એમ કહી રહ્યા છે કે, બંગાળમાં TMCના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આવું નિવેદન વડાપ્રધાને ન કરવું જોઇએ, PM દ્વારા આ રીતે હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાનના પદને શોભતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 23મે પછી દિલ્હીમાં ભાજપની સરકાર નથી અને ગુજરાતમાં પણ નહીં રહે. જો દિલ્હીમાં બેઠા બેઠા કોલકત્તાથી TMCના ધારાસભ્યો સંપર્કમાં હોય, તો ઘર આંગણે ભાજપના ધારાસભ્યો તો મારા સંપર્કમાં હોય જ. કોંગ્રેસના ધારાસભ્ય તો સંપર્કમાં છે સાથે ભાજપના ધારાસભ્યો પણ છે અને મારુ આ નિવેદન વડાપ્રધાનને જવાબ છે અને આપણે ઇચ્છીએ કે, 23મેના પરિણામ પછી આપણે આ શાસનમાંથી મુક્ત થઇએ.
માત્ર કોન્ફરન્સ કરવાથી ગુજરાતમાં પાણી ના પહોંચાડી શકાયઃ વાઘેલા
વધુમાં શંકરસિંહએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત દેશમાં અવ્વલ નંબરનું રાજ્ય હતું. પરંતુ છેલ્લા 25 વર્ષથી રાજ્ય દેવામાં ગરકાવ થયું છે. રાજ્યમાં વિકાસ નહી રકાસ થયો છે. રાજ્યમાં 50 લાખ કરતા વધારે શિક્ષિત બેરોજગાર છે, પેપ્સીકો અંગે સરકારને રજુઆત કરી છે કે, તેઓ ખેડૂતો પર કેસ ન થવા દે. નાના અને મધ્યમ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. રાજ્યના 10 હજાર ગામડામાં પીવાના પાણીનો પ્રશ્ન છે. જો 50 ટકા કરતા વધારે ગામના પીવાના પાણીનો પ્રશ્ન હોય, તો વિચારવા જેવું છે કે રાજ્યમાં કેવું શાસન છે. પાઇપ લાઇનનો વાંક કાઢતી સરકાર પર દયા આવે છે માત્ર કોન્ફરન્સ કરવાથી પાણી ન પહોંચે. ટેન્કર મુક્ત ગુજરાતની વાત સરકાર કરે છે પણ 10 હજાર ગામ ટેન્કરની રાહ જોઇ રહ્યા છે.
પુલવામાં હુમલામાં જવાનોને કાવતરું કરી મારવામાં આવ્યા, સરકાર ધારત તો બચાવી શકતઃ વાઘેલા
વાઘેલાએ પુલવામા હુમલાને લઈને પોતાના નિવેદનમાં સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, સરકારે 5 વર્ષમાં જે કર્યું એનો હિસાબ આપવો જોઈએ. જેના બદલે તેઓ ઉભા કરેલા આતંકવાદના નામે મત માંગે છે. આ સરકાર ષડયંત્ર ખોર સરકાર છે. સરકાર રક્ષકથી ભક્ષક બની ગઈ છે. 2018માં જે વાયદા કર્યા હતા, તેમાં એક પણ જવાબ આપવા સરકાર સક્ષમ નથી. પુલવામામાં કાવતરું કરીને જવાનોને મારવામા આવ્યા.
પુલવામામાં ઇન્ટેલીજેન્સ ફેલીયર સાબિત થયું છે. આતંકવાદીઓ જવાનોને મારી નાખવાના હતા, તે સરકાર જાણતી હતી પણ સરકારે તે થવા દીધું. પાકિસ્તાનના બાલાકોટમાં હુમલા માટે સરકારે ISIની પરવાનગી લીધી હતી, ત્યારબાદ હુમલો કર્યો હતો જેમાં કોઈનું મૃત્યુ નહોતું થયું. એરસ્ટ્રાઇક મુદ્દે મને સરકાર પાસે પુરાવા માંગવાનો અધિકાર છે. ભલે મને દેશદ્રોહી ગણે મારુ લોહી તેમના કરતા વધારે ગરમ છે. જો અમેરિકા બિન લાદેનને મારવાનો વીડિયો જાહેર કરતું હોય, તો ભારત સરકાર બાલાકોટનો વીડિયો કેમ જાહેર કરતું નથી. દેશની પ્રજા સાથે દ્રોહ થઈ રહ્યો છે. વધુમાં પુલવામા હુમલામાં RDX ભરેલી કાર વાપરવામાં આવી હતી. તે ગાડી ગુજરાત પાર્સિંગની હોવાનો શંકરસિંહે દાવો કર્યો હતો.