અમદાવાદ: આજે અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આરવ રાજપૂત નામનો યુવક જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાત્ર આપવા પહોંચ્યો હતો. આરવ અમદાવાદના શાહપુરની એક ખાનગી શાળામાં સ્પોર્ટ્સ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ કોરોના મહામારીમાં શાળાએ કરકસરના ભાગરૂપે તેને અને તેમના સાથી શિક્ષકોને નોકરીમાંથી છૂટાં કરી દીધા છે.
કરાટેમાં રાષ્ટ્રીયકક્ષાએ ગોલ્ડ મેડલિસ્ટ યુવકને શાળાએ નોકરીમાંથી છૂટો કરતાં જિલ્લા શિક્ષણ અધિકારીને લખ્યો પત્ર
કોરોના વાયરસના કેરમાં કેટલાય લોકોએ રોજગારી ગુમાવી છે. એક તરફ સરકાર ભરતી કરતી નથી અને રોજગારી આપ્યાના દાવાઓ કરે છે. તો બીજી તરફ રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં બેરોજગાર યુવાનોએ સરકાર સામે બેરોજગારીને લઈને પ્રદર્શનો શરૂ કર્યા છે. કરાટેમાં ગોલ્ડ મેડલિસ્ટ યુવકને શિક્ષકની નોકરીમાંથી છૂટો કરવામાં આવતાં ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે આરવે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કે, તેને ભારત અને ગુજરાત માટે કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને તેઓ પોતે મધ્યમવર્ગના પરિવારમાંથી આવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી. વળી આ કોરોના કાળમાં યોગ અને શારિરીક કસરત જરૂરી છે ત્યારે આવા સમયે તેમને છૂટા ન કરવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ઘટતું કરે.
આ મુદ્દે આરવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા,હેલ્થી ઇન્ડિયા' કેમ્પઇનનો હવાલો આપતા પ્રશ્ન કર્યો હતો કે, જો વ્યાયામના/સ્પોર્ટ્સ શિક્ષકો જ નહીં હોય તો લોકો સ્વસ્થ્ય કેવી રીતે રહેશે...?