- દિવાળીની ખરીદીમાં લોકો કોરોનાની ત્રીજી લહેરને આપી રહ્યા છે આમંત્રણ
- દિવાળી પહેલાના છેલ્લા રવિવારે બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા
- બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લોકો નજરે પડ્યા
અમદાવાદ : કોરોનાને કારણે બે વર્ષથી લોકો તહેવાર સારી રીતે ઉજવી શક્યા નથી, ત્યારે દિવાળીના (Diwali 2021) તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષના મોટા તહેવારને લઈને અમદાવાદમાં ભદ્ર પાથરણા બજાર ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે, આ સાથે જ લોકો દ્વારા કોરોના ગાઈડલાઈન્સનું (Corona Guidelines) ઉલ્લંઘન થતું નજરે આવ્યું હતું. આ ઉપરાંત, બજારમાં કોઈ પણ પ્રકારે કોઈ અનિચનીય ઘટના ન બને તેમજ પાકીટ ચોરો અને અસામાજિક તત્વો પર પોલીસ ખાનગી ડ્રેસમાં નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભીડભાડમાં છેડતી અને અન્ય ગુન્હાઓના બનાવો પણ વધારે બનતા હોય છે, તેને લઈને મહિલા પોલીસ પણ ખાનગી ડ્રેસમાં બજારોમાં તૈનાત કરવામાં આવી છે.
કોરોના ગાઇટલાઇન્સના ઉડ્યા ધજાગરા
બજારમાં કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સ તેમજ કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર ફરતા નજરે આવ્યા હતા, ત્યારે લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ વર્ષે વેપારીઓમાં એક ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી છે. કારણ કે છેલ્લા બે વર્ષ બાદ તહેવારમાં ઠંડા પડેલા બજારો દિવાળીના તહેવારમાં ધમધમતા થયા છે. આ વર્ષે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત, આ વર્ષે ગયા વર્ષ કરતા બધી ચીજવસ્તુઓના ભાવ 10 થી 15 ટકા વધ્યા છે.