અમદાવાદઃ જિલ્લામાં અત્યાર સુધીમાં(26 મે, 2020) કોરોનાના કુલ 10,841 કેસ નોંધાયા છે, અને 745ના મોત થયા છે. ભારત દેશમાં કોરોનાના કેસની દ્રષ્ટિએ મુંબઈ પછી અમદાવાદ બીજા ક્રમે આવે છે. ગુજરાત સરકાર તમામને ઘરમાં રહેવાની સલાહ આપે છે, કોઈએ કામ સિવાય બહાર નીકળવું નહી, અને બીજી તરફ અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બિજલબહેન પટેલ 26 મે ને મંગળવારે સવારે મેંગો માર્કેટના ઉદઘાટન કરવા રિબિન કાપી હતી. એકતરફ કોરોનાનો કાળો કેર છે, જાહેર કાર્યક્રમો કરવાના નથી અને મેયર બિજલબહેન પટેલ દ્વારા રિબિન કાપીને મેંગો માર્કેટને શરૂ કરાય છે. અને તેનાથી વિશેષ વાત એ છે કે મેંગો માર્કેટ પર તેઓ બોલ્યા, પણ મીડિયાએ અમદાવાદમાં કોરોનાનો કેર અને અમદાવાદ મ્યુનિસિપલ કમીશનરની બદલી અંગેના સવાલ પુછ્યા તો તેઓ ઉભા જ રહ્યા નહી, અને કહ્યું કે મારુ પણ અમદાવાદ છે. હું મેંગો માર્કેટ માટે આવી છું, તે જ સવાલ પુછવાના.
અમદાવાદની ગંભીર સ્થિતિને જોતા લૉક ડાઉનનું સંપૂર્ણ રીતે પાલન કરાવવું જોઈએ. અમદાવાદ સિટી વિસ્તાર સિવાય નોન-કેન્ટનમેઈન્ટ ઝોનમાંથી કોરોનાના નવા કેસ દરરોજ આવી રહ્યા છે, તેમ છતાં મેયરે મેંગો માર્કેટ શરૂ કરવાની પરવાનગી આપી અને રિબિન કાપવા પણ આવ્યા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 100 સ્ટોલ્સ છે, તેમાંથી 75 ટકા સ્ટોલ ખાલી છે.
25 ટકા સ્ટોલ પર કેરીના વેપારીઓ કેરી વેચવા આવ્યા છે, તે પણ કોઈપણ નિયમના પાલન વગર કેરીઓ વેચતા હતા. એકએક સ્ટોલ પર ભીડ હતી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કયાંય થતું નથી. સેનેટાઈઝરનો કોઈ ઉપયોગ કરતું નથી. થર્મો ગન લઈને મેઈન ગેટ પાસે એક સિક્યુરીટીવાળો ઉભો છે, તે પણ કરવા ખાતર ચેક કરતો હોય તેવું જણાયું હતું.