- PMના ટ્વીટ બાદ તંત્ર આવ્યું હરકતમાં
- PMના ટ્વીટ બાદ મેયરે દુઃખ વ્યક્ત કર્યું
- મેયરે સંવેદના વ્યક્ત કરવા સાથે આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી
અમદાવાદ : શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી રેવા એસ્ટેટ ખાતેની સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઇ હતી. જેના કારણે 12 લોકોના મોત થયા છે અને 8 લોકોની હાલત ગંભીર છે. હજૂ આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. ગુરુવારે સાવરે 11 કલાકે પીરાણા પીપળજ રોડની નજીકના વિસ્તારમાં કેમિકલ ફેકટરીમાં થયેલા વિસ્ફોટ બાદ બાજુના ગોડાઉનોની દિવાલો અને છત તૂટી પડી હતી. જેમાં 18થી 20 લોકો તેની નીચે દટાઇ ગયા હતા. આ વિસ્ફોટ બાદ આગ પણ લાગી હતી. જે કારણે 24 ફાયર જવાનેઓએ તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. ઘટના સ્થળેથી કુલ 9 મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે 3 લોકોએ સારવાર દરમિાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
PM મોદીના ટ્વીટ બાદ તંત્ર આવ્યું હરકતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા દુઃખ વ્યક્ત કર્યા બાદ ગુજરાત રાજ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણી નેતાઓ હરકતમાં આવ્યા હતા. PMના ટ્વીટ બાદ અમદાવાદ મનપા, રાજ્યનું તંત્ર એક્શનમાં આવી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને મૃતકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે બિજલ પટેલે પણ મોડે મોડે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે બિજલ પટેલને આ મામલે આકરાં સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમને પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા હતા.
બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ સામાન્ય ઘટના છે તેમ છતા દુઃખદ છે
આ ઉપરાંત મીડિયાથી બચવા માટે મેયર પાછળના દરવાજેથી પ્રવેશ્યા હતા. એટલું જ નહીં મોડે મોડેથી જાગેલાં અને ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા મોડી સાંજે મેયર બિજલ પટેલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહ દ્વાર મીડિયાને આપેલા બ્રિફિંગમાં સવાલ પૂછવામાં આવ્યો કે, PMના ટ્વીટ બાદ આ તો કેવુ દુઃખ વ્યક્ત કરવાનું ? જેની પ્રતિક્રિયામાં ઘટનાને સામાન્ય ગણાવતા વિવાદ સર્જાયો છે. બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ સામાન્ય ઘટના છે તેમ છતા દુઃખદ છે.
કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર
અગાઉ વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ બિજલ પટેલ પર પ્રહારો કર્યા હતા. શૈલેષ પરમાર, તોફિક પઠાણ સહિતના કોંગ્રેસના આગેવાન નેતાઓએ ઘટના અંગે મેયર પર પ્રહારો કર્યા હતા. તેમજ સરકાર, મ્યુનિસિપલ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સાંઠગાંઠનો આરોપ પણ મૂક્યો હતો.