અમદાવાદઃ ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે.
કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે, જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-19ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે, જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે.
કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે, જેઓને તાવ અને કફ જેવા કોવિડ-19ના લક્ષણો, RT-PCR થી કોવિડ-19નો પોઝિટિવ રિપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના 28 દિવસ પછી અથવા 14 દિવસ પછી 24 કલાકના અંતરે કોવિડ-19ના 2 RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા હોય તેવા સાજાં થયેલાં દર્દીઓની ઉંમર 18થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.05 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.
રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એક જ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.