- અમદાવાદના લારી ગલ્લા સંચાલકો કોર્પોરેશન સાથે લડી લેવાના મૂડમાં
- 100 રૂપિયાનો ચાર્જ વસુલ કરી 42,000 લારી ગલ્લાને પરવાનગી
- અનેક લોકોએ લીધી લોન હવે હપ્તા ચુકવવામાં વાંધો
અમદાવાદ: રાજકોટ, ભાવનગર, જામનગર અને બરોડા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર તબાહી મચાવવામાં આવી હતી, પરંતુ હવે અમદાવાદના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી તમામ લારી હટાવવા (Ahmedabad nonveg ban)ની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે લારી-ગલ્લા એસોસિએશન (Ahmedabad Lari Gallawalas ) દ્વારા નરોડા ખાતે રસ્તા પર જ એક બેઠક યોજીને હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2016માં થયેલા પરિપત્રનો અમલ અત્યારે કરાઇ રહ્યા હોવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં 42,000 લારી ગલ્લાવાળાને લાયસન્સ આપવામા આવ્યું
આ બાબતે ETV ભારત સાથે રાકેશ મહેરીયાએ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક લાખ 20,000 જેટલી લારી-ગલ્લાને રોજીરોટી મળી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં એક ખાનગી કંપની સાથે સર્વે કરાયા બાદ અમદાવાદના કુલ 42,000 જેટલા પાથરણા અને લારી ગલ્લાવાળાને લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ લાયસન્સ આપવા માટે એક ખાનગી કંપની સાથે સર્વે પણ કરવામાં આવ્યો હતો અને 100 રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. આમ કુલ 42 લાખ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.
હવે લારીઓ અડચણ રૂપ હશે તે ઉપાડી લેવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદના જાહેર રોડ રસ્તામાં જે પણ લારી-ગલ્લા કે જે અડચણરૂપ હશે તેને દબાણ ખાતા દ્વારા ઉઠાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે મહેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ઈંડા અને નોનવેજની લારીઓ ઉઠાવવાનો હુકમ કર્યો હતો, પરંતુ હવે તમામ પ્રકારની લારીઓ ઉઠાવવાની વાત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદમાં રસ્તા પર પોતાની રોજી રોટી અને આજીવિકા મેળવતા સામાન્ય લોકોને પોતાના જીવન ગુજારવા માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. એક લારી ગલ્લામાં પરિવારના પાંચ જેટલા સભ્યો પોતાનો જીવનનિર્વાહ કરે છે, ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 2 લાખ લોકો કઈ રીતે જીવન નિર્વાહ કરશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.