- 19 ઓક્ટોબરના રોજ નિકળશે ઈદ એ મિલાદનું જુલૂસ
- રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામુ
- બીજા જ દિવસે સરકારે જાહેરનામામાં કર્યો ફેરફાર
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણીની મંજૂરી આપવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન સાથે અને કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ગઈકાલે રવિવારે જ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે, તેમાં જુલૂસમાં માત્ર 15 લોકોને જ પરવાનગી આપવામાં આવી હોવાથી વિરોધ થયો હતો. જેને ધ્યાનમાં રાખીને આજે સોમવારે સરકારે જાહેરનામામાં ફેરફાર કરીને 400 લોકોને મંજૂરી આપી છે. જોકે, એક કરતા વધારે વિસ્તારમાં જુલૂસ માટે 15 લોકોની પરવાનગીનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.
શું હતો જૂનો નિયમ?
રાજ્ય સરકારના જૂના નિયમ મુજબ, મુજબ ઈદ એ મિલાદ જુલૂસમાં મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહનમાં સામેલ થઈ શકશે, જુલુસનું આયોજન માત્ર દિવસ દરમિયાન જ કરી શકાશે, ઈદ એ મિલાદનું જુલૂસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે, આ ઉપરાંત કોરોના ને જોતા શક્ય હોય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. એસ.ઓ.પી.ના નિયમો અનુસાર કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
મુસ્લિમ અગ્રણીઓ દ્વારા માંગવામાં આવી હતી મંજૂરી
ઇદ-એ-મિલાદની ઉજવણી ગુજરાત અને ભારતમાં જુદી જુદી જગ્યાએ થાય છે ત્યારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ઈદે મિલાદ જુલૂસ માટે પરવાનગી માંગવામાં આવી હતી. ગુજરાતમાં પણ તેની મોટા પાયે ઉજવણી થતી હોય છે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે ત્યારે સરકાર દ્વારા સમયાંતરે તેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.