અમદાવાદ પોલીસ કમિશનરે વેશ બદલીને ત્રણ પોલીસ સ્ટેશને કેમ જવું પડ્યું ? જાણો...
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામાન્ય નાગરિક બનીને શનિવારે શહેરના 3 પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી થયાની ફરિયાદ નોંધાવવા ગયા હતા. પોલીસ સામાન્ય નાગરિક સાથે કેવી વર્તણૂક કરે છે તે તપાસવા પોલીસ કમિશનર 3 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, તેમનો મોબાઈલ ચોરી થયો ન હતો.
અમદાવાદ: શહેરના તમામ નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ કમિશનર ઉપર છે. તેઓ પોતાના કર્તવ્યના પાલન કરવા માટે અને પોલીસનું સામાન્ય નાગરિક સાથે વર્તન ચકાસવા માટે પોતે 3 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ સામાન્ય નાગરિક બનીને શહેરના રાણીપ, સાબરમતી અને ચાંદખેડા એમ ત્રણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાનો મોબાઈલ ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની લોકો સાથેની વર્તણૂક ચકાસવા માટે પોલીસ કમિશનરે આ પ્રયોગ કર્યો હતો. જોકે, તેમનો મોબાઈલ ચોરી થયો ન હતો.
અમદાવાદમાં પોલીસ સ્ટેશનોમાં પોલીસ દ્વારા ફરિયાદી સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે જાણવા પોલીસ કમિશનર જાતે ત્રણ પોલીસ સ્ટેશન ફર્યા હતા. જોકે તેઓ સામાન્ય નાગરિક બનીને ખાનગી વાહનમાં ગયા હોવાથી તેમને કોઈ ઓળખી શક્યું નહતું. તેમણે મોબાઈલ ચોરીની ફરિયાદ અંગે જણાવતા તેમની ફરિયાદ નોંધવા માટે પોલીસે મોબાઈલનું બિલ મગાવ્યું હતું. બિલ ન હોવાથી તેમને બિલ લઈને ફરિયાદ નોંધાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.
સૌપ્રથમ તેઓ રાણીપ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે એક પોલીસ સ્ટેશનની મુલાકાતથી તેમને સંતોષ ન થતા તેમણે આવી જ રીતે સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન પણ ફરિયાદ નોંધાવવા ગયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન એક પોલીસ સ્ટેશનમાં શિફ્ટ પૂરી થયા બાદ કર્મચારી અડધો કલાક મોડા આવ્યા હતા અને કર્મચારીઓ ખાનગી કપડાંમાં જોવા મળ્યા હતા. જોકે તેઓ પોલીસ સ્ટેશનથી નીકળ્યા બાદ પોલીસ કર્મચારીઓને જાણ થઈ હતી કે આ તો પોલીસ કમિશનર પોતે છે એ જાણીને પોલીસ કર્મચારીઓ ચોંકી ઊઠ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેર પોલીસ કમિશનર રહી ચૂકેલા એ. કે. સિંઘ પણ આ રીતે સિવિલ ડ્રેસમાં રિક્ષામાં બેસીને શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે સંજય શ્રીવાસ્તવે પણ આ જ રીતે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં પણ અન્ય પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ખામીઓ દૂર કરવામાં આવશે. આ સાથે જાણવા મળે છે કે શહેરના પોલીસ કમિશનરને નાગરિકની કેટલી ચિંતા છે અને તેઓ નાગરિકની સુરક્ષા માટે કેટલું વિચારી રહ્યા છે.