ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી મોક ટેસ્ટનો ફિયાસ્કો
કોરોનાવાયરસના સંક્રમણને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હજી સુધી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને મૂંઝવણ અનુભવે છે.ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ ઓનલાઇન ટેસ્ટનો ફિયાસ્કો થયો હતો.
અમદાવાદઃ જીટીયુ વિદ્યાર્થીઓએ ઘરે બેઠાં આ પરીક્ષા આપી હતી. તેમની અનેક ફરિયાદો આવી હતી. સૌપ્રથમ તો નેટવર્ક કનેક્ટિવિટી મળતી ન હતી, ત્યારબાદ 30 ગુણની આ પરીક્ષામાં વિકલ્પો જ આપવામાં આવ્યાં ન હતાં, કેટલાક વિદ્યાર્થીઓ લોગીઇન કરી શકતાં ન હતાં અને એક કલાક બાદ ફરીથી તેમની પરીક્ષા લેવી પડી હતી. આના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. જો કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે ઈટીવી ભારત સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતમાં આટલી મોટી સંખ્યામાં લાખો વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી રહ્યા હોય તેવું સૌ પ્રથમ પગલું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ભર્યું છે. ત્યારે નેટવર્ક કનેક્ટિવિટીની કારણે આ સમસ્યા સર્જાઈ હતી. બીજા કોઈ પણ મુદ્દા ન હતા. એક કલાક બાદ ફરી લેવાયેલી પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને સારી રીતે પરીક્ષા પૂર્ણ કરી હતી અને તેનું રિઝલ્ટ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું.બપોરના સમયે ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપી હતી જેમાં પણ કોઈપણ પ્રકારના પ્રશ્નો ઊભા થયા ન હતા.
વાઇસ ચાન્સેલર નવીન શેઠે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બાબતે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, યુજીસીના નિયમો પ્રમાણે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.પરંતુ પ્રથમ કે બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે હજી સુધી યુજીસી તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. યુજીસી દ્વારા જે ગાઇડલાઇન્સ ઇશ્યૂ કરવામાં આવશે તે પ્રમાણે પરીક્ષા લેવી કે ન લેવી અને ઓનલાઇન લેવી કે ફિઝિકલ લેવી તે પ્રમાણે નિર્ણય લેવાશે.
વાઇસ ચાન્સેલર નવીન શેઠે વધુમાં જણાવ્યું હતું કે, જો પરીક્ષાઓ લેવાનો નિર્ણય કરવામાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેટાઈઝર જેવી વ્યવસ્થાઓ ચોક્કસ કરવામાં આવશે.