અમદાવાદ : રાજસ્થાનના બાડમેરમાં જન્મેલા રૂમા દેવી હસ્તકલા કારીગર છે. તેઓ મહિલાઓ માટે પ્રેરણાનો સ્રોત છે. રાજસ્થાનની હજારો બહેનોને તેઓએ ગ્રામીણ વિકાસ એવં ચેતના સંસ્થાન બાડમેર (Gramin Vikas Evam Chetna Sansthan ) થકી આર્થિક પગભર કરી છે. તેમના આ અદ્વિતીય કાર્ય બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેઓને 'નારી શક્તિ પુરસ્કાર' મળ્યો છે. તેમના કૌશલ્યને જોઈને વિશ્વની અગ્રણી એવી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમને સ્પીકર તરીકે અમેરિકા બોલાવ્યાં હતાં. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે, રૂમા દેવી ફક્ત આઠ ચોપડી ભણેલાં છે અને 17 વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ ચૂક્યાં હતાં.
વારસામાં મળ્યું હસ્તકલા કૌશલ્ય
રૂમા દેવી હસ્તકલાનું કાર્ય પોતાની દાદી પાસેથી શીખ્યાં હતાં. તેમને પોતાના કાર્યની શરૂઆત દસ મહિલાઓના એક સમૂહથી કરી હતી. આ મહિલાઓ ફાળો એકત્ર કરીને એક જૂનું સિલાઈ મશીન લાવ્યાં હતાં. ત્યારબાદ તેઓ ગ્રામીણ વિકાસમાં કાર્ય કરતી સામાજિક સંસ્થાની મદદથી આગળ આવ્યાં. તેમણે 2010 માં દિલ્હીમાં પોતાના બનાવેલા કપડાંનું સૌ પ્રથમ પ્રદર્શન કર્યું. તો 2016માં રાજસ્થાન હેરિટેજ વિકમાં તેમના બનાવેલા કપડાંનો પ્રથમ ફેશન શો યોજાયો.
અમદાવાદમાં આવેલાં રૂમા દેવીએ પોતાની આ સફર વિશે ETV Bharat સાથે ખાસ વાત (Face to Face with Rumadevi) કરી હતી.
પ્રશ્નઃ આપને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો હતો, તે એવોર્ડ મેળવ્યાં બાદ આપને કેવું લાગ્યું ?
ઉત્તરઃ આ એવોર્ડ નહીં મારા માટે મોટી જવાબદારી છે. હું જ્યારે પણ દિલ્હી જતી ત્યારે રાષ્ટ્રપતિ ભવન દૂરથી જોતી. ત્યારે ખબર નહોતી કે રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું થશે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિએ સન્માન કર્યું ત્યારે મને ખૂબ સારું લાગ્યું. આ સન્માન મારી સાથે જોડાયેલ 30 હજાર બહેનોનું સન્માન હતું.
પ્રશ્નઃ આપ આઠ ધોરણ સુધી ભણ્યાં છો, છતાં આટલી દૂરની સફળ સફર ખેડી આપની આ સફર વિશે જણાવશો ?
ઉત્તરઃ મહિલાઓમાં આ એક ભય હોય છે કે, અમે ઓછા ભણ્યાં છીએ. પરંતુ ધીરે-ધીરે બધું શીખી જવાય છે. બે વર્ષ પહેલાં હું હાવર્ડ યુનિવર્સિટી ગઈ હતી. મને સ્પીકર તરીકે હાવર્ડમાં આવવાનો મેઈલ મળ્યો હતો. પણ હું સારી સ્કૂલમાં પણ જઈ શકી નથી. ત્યારે હાવર્ડમાં જઈને શું કરીશ ? તેમને દિલ્હી અને બોમ્બેની ખબર હોય પણ ગ્રામીણ વિસ્તારમાં શું થઈ રહ્યું છે, તેની ખબર નહોતી. મેં તેમની સાથે બેસીને કામ કર્યું. તેઓ ઇન્ટર્નશીપ માટે ભારત આવશે તેમ કહ્યું. ભારત દૂતાવાસમાં કાર્યક્રમ રખાયો. પ્રોફેસર્સ આવ્યાં અમારી કલા વિશે જાણ્યું. ત્યારે તેમણે કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓને ભારત મોકલીને અમારી કલા પર રિસર્ચ કરશે. તેમની કળાનો અભ્યાસમાં સમાવેશ કરાશે.
પ્રશ્નઃ તમને હાવર્ડમાં સ્પીકર તરીકે બોલાવ્યાં હતાં, ત્યાં આપે શું કહ્યું હતું ?
ઉત્તરઃ હું ત્યાં સોયદોરો લઈને ગઈ હતી. તેમનેે આપણી કળા શીખવી. તેમણે ઘણો પ્રયત્ન કર્યો અને મને કહ્યું કે આ કામ તો ખૂબ મહેનતનું છે.
પ્રશ્નઃ આપના કાર્ય સાથે કેટલી બહેનો જોડાયેલી છે ?