અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે તેવું કહેવામાં આવ્યું છે.
આમ, રાજ્યમાં આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી હોવાથી તમામ જિલ્લા કલેક્ટરને પોતાના જિલ્લા પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. આ આગાહીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે, રાજ્યમાં સિઝનનો અંદાજિત 95 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી એકથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજનો એક દરવાજો પણ ખોલવામાં આવ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ અમદાવાદ શહેરના પશ્ચિમ તરફના ગોતા એસ.જી. હાઈવે ચાંદખેડા રાણીપ ચાંદલોડિયા આરટીઓ સાબરમતી ઘાટલોડિયા ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતાં વધુ છે. તમામ જિલ્લા કલેક્ટરને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આખી રાત પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હેલ્મેટ ચાર રસ્તા પર બીઆરટીએસ રૂટમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાયા છે, ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.