- અમદાવાદના પ્રખ્યાત ભદ્રકાળી મંદિરમાં આઠમની ભવ્ય ઉજવણી
- કોરોના ગાઇડલાઇન્સનું થયું પાલન
- ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ઉમટ્યું ભક્તોનું મહેરામણ
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં આઠમ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં કોરોના મહામારીની ગાઇડલાઇન્સનું પણ પાલન કરવામાં આવ્યુંં હતું.
અમદાવાદ: નવરાત્રિ પર્વની સૌથી મહત્વપૂર્ણ તેમજ શાસ્ત્રોક્ત માહાત્મ્ય ધરાવતી આઠમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં વિશેષ શણગાર, હોમ-હવન અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના નગરદેવી ગણાતા અતિપ્રાચીન ભદ્રકાળી માતાજીના મંદિરમાં પણ ભવ્ય મહાઆરતી અને નવચંડી મહાયજ્ઞ યોજાયા હતા.
મંદિરોમાં સરકારની ગાઈડલાઈન્સ અને માર્ગદર્શિકાઓનું પણ ચુસ્તપણે પાલન
શહેરના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના 800 વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર, ભુલાભાઈ પાર્કના બહુચરાજી માતાજી, માધુપુરા અંબાજી માતા, દૂધેશ્વર સ્થિત મહાકાળી માતા, સોલા રોડ પર ચાંદની એપાર્ટમેન્ટ ખાતે આવેલા અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આઠમ નિમિત્તે માતાજીના અદ્ભૂત શણગાર, હોમ-હવન અને મહાયજ્ઞ તેમજ શ્રદ્ધાળુ ભક્તો માટે વિશેષ પ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.
આ વર્ષે કોરોના મહામારીના કારણે ભદ્રકાળી મંદિરમાં સરકારની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાઓનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.આ માર્ગદર્શિકા વચ્ચે પણ ભક્તોની શ્રધ્ધા અને આસ્થા માઈ ભક્તિની સ્પષ્ટ પ્રતીતિ કરાવતી હતી.