- ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા આગામી સંસદ સત્રમાં આપશે રાજીનામું
- ભાજપ પ્રદેશ પ્રમુખને ઉદ્દેશીને લખ્યો પત્ર
- પોતાના વિસ્તારમાં ઇકોસેન્સિટિવ ઝોનને લઈને મનદુઃખ
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવા સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપશે, તેવો પત્ર તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને ઉદ્દેશીને પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો. જેને લઇને ભાજપને ઝટકો લાગ્યો હતો.
- મનસુખ વસાવાના રાજીનામાને લઈને મુખ્યપ્રધાન સાથે સી.આર.પાટીલની ચર્ચા
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મનસુખ વસાવા ભાજપના સિનિયર સાંસદ છે. તેમને હજી સુધી રાજીનામું નથી આપ્યું, પરંતુ આગામી લોકસભા સેશનમા રાજીનામું આપશે તેવી વાત કરી છે. તેમને નાનું મનદુઃખ હતું, તે વિશે તેમણે પ્રદેશ પ્રમુખને જણાવ્યું હતું. આ રજૂઆતને ધ્યાનમાં લઈને તેમને મુખ્યપ્રધાન સાથે પણ ચર્ચા કરી છે.
મનસુખ વસાવાએ રાજીનામું આપ્યાના મુદ્દે સીઆર પાટીલની પ્રતિક્રિયા - કયા મુદ્દે સાંસદને મનદુઃખ થયું
જ્યાં સુધી ઈકો સેન્સીટીવ ઝોનને લઈને મન દુઃખની વાત છે, તે વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા નર્મદામાં લાગુ જ છે. પરંતુ કલેક્ટર દ્વારા કેટલીક જમીનોને લઈને કાચી એન્ટ્રીથી કેટલાક લોકોએ ગેરસમજ ઊભી કરી છે. મનસુખ વસાવા સેન્સિટિવ માણસ છે અને તેઓને જલ્દી કોઈ વાતનું ખોટું લાગી જાય છે. પરંતુ આદિવાસીઓ માટે લડનારા સાંસદ ભાજપમાં હોવાથી તેમને તે વાતનો ગર્વ પણ છે.
- કોંગ્રેસે પણ વચ્ચે ઝંપલાવ્યું
આ વાતનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે પણ વચ્ચે ઝંપલાવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મનસુખ વસાવાએ કેટલીય વાર ભાજપ સરકાર સમક્ષ પોતાના વિસ્તારમાં દારૂની રેલમછેલ અને સ્થાનિક લોકોને રોજગારીને લઈને રજૂઆત કરી હતી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહોતી. આ મુદ્દે તેમને મુખ્યપ્રધાન સહિત અન્ય વિભાગોને લેખિતમાં રજૂઆત કરી હતી.
- સરકાર દ્વારા સાંસદને સાઇડટ્રેક કરાયા હતા ?
ચર્ચા એ પણ સાંભળાઇ રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા તેમને સાઇડટ્રેક કરાઈ રહ્યા હતા. સરકારી કાર્યક્રમોમાં પણ તેમને આમંત્રણ આપવામાં આવતું નહોતું. બીજી તરફ BTPની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચાઓ વધુ તેજ બની છે.