અમદાવાદઃ કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા અમદાવાદના ખાનગી હોસ્પિટલો માટે બેડ દીઠ રૂપિયા 10 હજાર થી 23 હજારની રકમ નક્કી કરવામાં આવી છે, જે સામાન્ય માણસને પોસાય શકે તેમ ન હોવાના દાવા સાથે અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત સત્તાધિશોને આ અંગે પત્ર લખી ફેરવિચારણા કરવાની માગ કરી છે.
કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં વસુલાતી બેફામ રકમ સામે કોર્પોરેશન ફેર-વિચારણા કરે તેવી માંગ
કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા અમદાવાદના ખાનગી હોસ્પિટલો માટે બેડ દીઠ રૂપિયા 10 હજાર થી 23 હજારની રકમ નક્કી કરવામાં આવી છે, જે સામાન્ય માણસને પોસાય શકે તેમ ન હોવાના દાવા સાથે અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત સત્તાધિશોને આ અંગે પત્ર લખી ફેરવિચારણા કરવાની માગ કરી છે.
મેટ્રો કોર્ટના વકીલ દેવેશ શાહ તરફથી કરવામાં આવેલી લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે પ્રતિ-દિન બેડ દીઠ લઘુતમ 10 હજાર વસુલવામાં આવે છે અને દવા, ઇન્જેક્શન સહિતનો ખર્ચ અલગથી લેવામાં આવે છે, જેથી દર્દી અઠવાડિયાથી વધુ સારવાર લે તો તેનુ બિલ લાખોની સંખ્યામાં થઈ શકે છે. કોરોના મહામારીના કારણે લગાવેલા લૉકડાઉનને લીધે લોકો પાસે ખાવા-પીવાના પૈસા નથી, તેમ છંતા આ રીતની બેફામ લૂંટ થઇ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વકીલ દેવેશ શાહ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરી શકે છે. નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ હાથ લીધેલા સુઓ મોટો અરજીમાં આદેશ કર્યો હતો કે આ સમય નફો રળવાનો નથી પરંતુ સાથે મળીને કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો છે. જો કોઈ ખાનગી હોસ્પિટલ દર્દીઓ પાસેથી વધારે રકમ વસુલશે તો તેનુ લાઇસન્સ રદ કરવામાં આવશે. હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યોગ્ય સત્તાધીશોને કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ દીઠ કેટલી રકમ વસૂલી શકે તેનું ચાર્જફ્રેમ નક્કી કરવા આદેશ કર્યો હતો.