અમદાવાદઃ શહેરમાં શુક્રવારથી સ્થિતિ સામાન્ય કરવામાં આવશે. જેથી શહેરમાં દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી, અનાજ-કરિયાણું સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થશે. જે માટે ગુરુવારે હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવા માટેની છેલ્લી તારીખ હતી. એવામાં અમદાવાદમાં હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવા આવેલો એક ફેરિયો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવતા દોડધામ મચી છે.
AMCની વધુ એક બેદરકારી: હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવા આવેલા ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ શહેરમાં હવે કોરોના વાઇરસનો ફેલાવો સુપર સ્પ્રેડરોના કારણે થતો હોવાને લીધે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્વારા શાકભાજીના ફેરિયાઓ, કરિયાણા અને મેડિકલની દુકાન ધારકોનું સ્ક્રીનિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
બાપુનગર અર્બન હેલ્થ સેન્ટરમાં ફેરિયાઓ માટે હેલ્થ કાર્ડ ઇસ્યૂ થઇ રહ્યા હતા. ત્યારે 3થી 4 કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ એક ફેરિયાનું સ્ક્રીનિંગ થતાં તેમનું ટેમ્પરેચર વધુ આવ્યું હતું. જેથી આ ફેરિયાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પોઝિટિવ આવનારો આ વ્યક્તિ સરસપુરમાં કરિયાણાની દુકાન ધરાવે છે. આ વેપારી સવારે 7 વાગ્યાથી કાર્ડ લેવાની લાઈનમાં ઉભો રહ્યો હતો અને બપોરે 2 વાગ્યે તે પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેથી લાઇનમાં ઉભેલા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.