- ગુજરાત આપ પાર્ટીમાં પ્રવક્તા બનતાની સાથે નિકિતા રાવલ વિવાદમાં
- AAP પ્રવક્તા નિકીતા રાવલે પોતાને પરેશ રાવલના સગામાં હોવાનું કહ્યું
- હું કોઈ નિકીતા રાવલને ઓળખતો નથી, મારે ન્હાવા નીચોવવાનો પણ સબંધ નથી: પરેશ રાવલ
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાર્ટીના પ્રવક્તા તરીકે નિકીતા રાવલનું નામ આપવામાં આવ્યું હતું. જેની ઓળખને લઈને લઈને વિવાદ ઉભો થયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આપ તરફથી સંગઠન મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જ્યારે પાર્ટી પ્રવક્તા તરીકે નિકીતા રાવલ અને મીડિયા સંયોજક તરીકે તુલી બેનર્જીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદ નિકીતા રાવલની ઓળખ આપતી વખતે તેમનું નામ પરેશ રાવલ સાથે જોડવામાં આવતા વિવાદ સર્જાયો
‘આપ’ના સંગઠનની જાહેરાત કરવા માટે બોલાવેલી પત્રકાર પરિષદમાં પાર્ટીના પ્રવક્તા નિકીતા રાવલની ઓળખ આપતી વખતે તેમનું નામ પરેશ રાવલ સાથે જોડવામાં આવ્યું હતું. AAP તરફથી કહેવાયું કે, તેમની પ્રવક્તા નિકીતા રાવલ બોલિવૂડ અભિનેત્રી છે અને ભાજપના પૂર્વ સાંસદ અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલના સગામાં થાય છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદ હું કોઈ નિકીતા રાવલને ઓળખતો નથીઃ પરેશ રાવલ
જો કે ઇટીવી ભારત સાથે વાત કરતા પરેશ રાવલે ‘આપ’ના દાવાને ફગાવતા જણાવ્યું હતું કે, હું કોઈ નિકીતા રાવલને ઓળખતો નથી. મારે આવી કોઈ વ્યક્તિ સાથે ન્હાવા-નીચોવવાનો સબંધ નથી. માત્ર રાજકીય લાભ ખાટવા માટે મારુ નામ વટાવાઈ રહ્યું છે. બીજી તરફ આપના બચાવમાં ઇટીવી ભારત સાથે વાતચીત કરતા તુલી બેનર્જીએ જણાવ્યું કે અમને નિકીતાએ જ પરેશ રાવલના સગામાં હોવાનું જણાવ્યું હતું. જેથી અમે તેની ઓળખ આ રીતે આપી હતી. ત્યારે પાર્ટીમાં નવું સંગઠન બનતાની સાથે જ વિવાદ શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા લઈ રહેલા આમ આદમી પાર્ટીમાં અંદરોઅંદર ચૂંટણી રમાઈ રહી હોય તેવું પણ રાજકારણમાં ગરમાયુ છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદ કોણ છે નિકીતા રાવલ?
નિકીતા રાવલ એક કથ્થક નૃત્યાંગના અને બોલિવૂડ અને સાઉથ ફિલ્મોમાં અભિનેત્રી રહી ચૂકી છે. નિકીતાએ અનિલ કપૂર, અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ જેવા અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે. આટલુ જ નહી, આસ્થા ફાઉન્ડેશન નામના NGO થકી તે સામાજિક કાર્યો પણ કરી રહી છે.